આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે, ત્યારે ભરૂચમાં વાગરાના આલિયાબેટમાં 212 જેટલા મતદાતાઓએ પ્રથમ વખત ચૂંટણીમાં ઘર આંગણે મતદાન કર્યું છે. પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરાયું છે. અગાઉ અહીં મતદાતાઓને 82 કિલોમીટર દૂર મતદાન કરવા જવું પડતું હતું.
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના 212 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કર્યું છે. પાણીથી ઘેરાયેલા ટાપુ ઉપર પ્રથમ વખત શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરાયું હતું. અગાઉ મતદાન માટે 82 કિ.મી. દૂર જવું પડતું હતું. જે માટે વિશેષ બસની વ્યવસ્થા કરાતી હતી. આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ વખત આલિયાબેટ ખાતે વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથક ઊભું કરાયું છે.
1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ગુજરાતમાં કુલ મતદારો કેટલા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
2017ના ચૂંટણી પરિણામ પર એક નજર
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.