ઉત્તર પ્રદેશના વારાણસીમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. કેરળથી આવેલા લગભગ ત્રણ ડઝન દર્શનાર્થીઓ ભરેલી હોડી ડૂબી ગઈ છે. હોડીમાં અચાનકથી પાણી ભરાવવાનું શરુ થતા નાવિક કૂદીને ભાગી ગયો હતો. સ્થાનીક લોકો અને અન્ય નાવિકોની મદદથી દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. 2 લોકોની હાલત ગંભીર જણાય છે, જેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે.
સવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યાં બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નૌકા વિહાર કરવા નીકળતા હોય છે. આ ગ્રુપ પણ એવી જ રીતે હોડીમાં સવાર થઈને નૌકા વિહાર માટે નીકળ્યું હતું પણ અચાનક જ હોડીમાં પાણી ભરાવાનું શરુ થઈ ગયું હતું અને હાહાકાર મચી ગયો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યાનુસાર હોડીમાં પાણી ભરાવાથી નાવિક હોડીમાંથી કૂદીને ભાગી ગયો હતો.
આ હોડી કેદાર ઘાટના નાવિક અમિત સાહની હતી. જેના પર ક્ષમતાથી પ્રવાસીઓને બેસાડવામાં આવ્યાં હતાં. હોડી ખૂબ જ જૂની હતી તેથી આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. સ્થાનીક લોકોના અને અન્ય યાત્રીઓની મદદથી એક મોટી દુર્ઘટના થતા ટળી છે.