ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલી NRIની દુકાનમાં બે દિવસ પહેલા લૂંટારુઓએ એક ગુજરાતી યુવાન પર હુમલો કર્યો હતો. જલાલપોર તાલુકાના વડોલી ગામના NRI યુવાને લૂંટારાઓનો પ્રતિકાર કરતા તેઓએ જનક પટેલ પર ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો. આઠથી દસ જેટલા ચપ્પુના ઘા મારી તેઓ નાસી છૂટ્યા હતા. આઠ મહિના પહેલા જ ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા યુવકની પત્નીની સામે જ લૂંટારાઓ હત્યા કરી ફરાર થતા NRIઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, જલાલપોર તાલુકાના વડોલી ગામના વતની અને NRI યુવક જનક કાલીદાસભાઈ પટેલ (ઉં.વ.36)ના લગ્ન અઢી વર્ષ પહેલા જલાલપોર તાલુકાના નીમલાઈ ગામની વિજેતા પટેલ સાથે થયા હતા. આઠ મહિના પહેલા જનક પટેલ તેની પત્ની સાથે ન્યુઝીલેન્ડના હેમિલ્ટન ખાતે સ્થાયી થવા ગયો હતો. જ્યાં તેની બહેન પણ દુકાનમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.
હાલ ન્યુઝીલેન્ડ પોલીસ આ કેસની તપાસ ચલાવી રહી છે. આ હત્યા બાદ જનક પટેલના પરિવારજનો અને ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા ગુજરાતીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વેલિંગ્ટનના વિરોધ પક્ષના નેતા ક્રિસ્ટોફર લક્સને સ્વર્ગસ્થ જનક પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે રોઝ કોટેજ સુપરેટની મુલાકાત લીધી હતી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, તે સારા સપના લઈને આ દેશમાં આવ્યો હતો. આ તેની સાથે યોગ્ય થયું નથી. હ્રદયને હચમચાવી નાંખે તેવી આ ઘટના છે.