કમાભાઈ ઉતર્યા ચૂંટણીના મેદાનમાં : ભાજપ માટે કરશે ચૂંટણીનો પ્રચાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓ પોતાના સ્ટાર પ્રચારકો સાથે ચૂંટણી સંગ્રામમાં કૂદી પડી છે ત્યાં જ રાજનૈતિક પાર્ટીઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સ્થાનિક ચર્ચિત લોકોને પણ પોતાના કેમ્પેઇનમાં જોડી રહી છે. આવામાં સૌરાષ્ટ્રના ડાયરાઓના માધ્યમથી જે કમો પ્રખ્યાત થયો હતો તે હવે ચૂંટણીના મેદાનમાં પણ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર મૂળના કમાભાઈ નામના મનોદિવ્યાંગ વ્યક્તિ સોશિયલ મીડિયા પરથી પ્રખ્યાત થયા હતા તે હવે ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ કમાભાઇનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા તે ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે.
હાલ સમગ્ર રાજ્યમાં કોઇ પણ ડાયરો હોય તેમાં કમો ન હોય તો ડાયરામાં રોનક ન આવે એવા કોઠારીયાના કમાભાઇ હવે ચૂંટણીના મેદાનમાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. નાનપણથી માનસિક દિવ્યાંગ એવા કમાને એક ડાયરામાં પ્રખ્યાત લોકગાયક કિર્તિદાન ગઢવીએ ડાન્સ કરતા જોયો હતો અને કમાના વખાણ કરતા કમો હાલ સોશિયલ મિડીયામાં સૌથી વધુ પ્રખ્યાત બન્યો છે. કમાની લોકચાહના હાલ આસમાનને આંબી રહી છે. જેનો સંપૂર્ણ ફાયદો હવે રાજકીય પાર્ટીઓ પણ ઉઠાવી રહી છે અને કમાભાઇને ચૂંટણીમાં એક સ્ટાર પ્રચારક તરીકે સામેલ કરી રહી છે.
કિર્તીદાનના કમા તરીકે ઓળખાતા અને કોઠારીયાના કમાભાઈને ભાવનગરની પશ્ચિમ બેઠક પર ભાજપના પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે. ભાવનગરની આ વિધાનસભા બેઠક પરથી ભાજપના જીતુ વાઘાણી ઉમેદવાર છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમા રાતના સમયે કમાભાઈ આ બેઠક પર પ્રચાર માટે કાળા રંગની કારમાં વાદળ કલરના બ્લેઝર પહેરીને ભાજપ માટે વોટ માંગી રહ્યા છે. આ દરમિયાન ઢોલ નગારા સાથેની આ કમાભાઈની યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા હતા.
કમલેશ ઉર્ફે કમો મુળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઇ છે. નરોત્તમભાઇને ત્રણ દિકરા પૈકી કમો સૌથી નાનો દિકરો છે. કમો જન્મથી જ માનસિક દિવ્યાંગ હોવા છતાં તેના માતા પિતાએ તેનો ઉછેરમાં સહેજ પણ કચાશ રાખી ન હતી પરંતુ કુદરતને કંઇ અલગ જ મંજૂર હતુ. જેથી કમો તેની મસ્તીમાં જ ફરતો હતો. કમો નાનપણથી જ ખુબ ધાર્મિક અને સેવાભાવી સ્વભાવ ધરાવે છે. જેથી નાનો હતો ત્યારથી કોઠારીયા વજા ભગતના આશ્રમમાં આવતા યાત્રાળુઓને ચા પાણીની સેવા કરતો હતો અને ભજનનો તેમજ રામાપીરના આખ્યાનનો શોખ હોવાથી ગામમાં ગમે ત્યાં ભજન કે આખ્યાન હોય તો કમો અચુક ત્યાં હોય જ. ડાયરા ઉપરાંત કમાને વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં તેમજ ઉદઘાટનમાં પણ આમંત્રણ મળે છે ત્યારે કમો કોઈ પણ જગ્યાએ હોંશેહોંશે જાય છે.