Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રેલીઓ અને મેળાવડામાં વધારો થયો છે. ભાજપ સહિત તમામ મુખ્ય પક્ષોના નેતાઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં બેઠક કરશે. ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત બાદ રાહુલ ગાંધીની આ પહેલી મુલાકાત હશે. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં ચૂંટણી જાહેર સભાઓ અને રોડ શો કરવાના છે.
આ 3 સ્થળોએ PM મોદીની સભા
PM મોદીની આજે ગુજરાતમાં ત્રણ મોટી રેલીઓ છે. સુરેન્દ્રનગર ખાતે બપોરે 12 કલાકે પ્રથમ બેઠક છે. આ પછી પીએમ મોદીની બીજી સભા જંબુસરમાં બપોરે 2 વાગ્યે છે. ત્રીજી બેઠક નવસારીમાં સાંજે 4 કલાકે છે.
અમિત શાહની પહેલી જાહેરસભા સવારે 11 વાગ્યાથી શરૂ થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ચાર જાહેરસભાઓને સંબોધશે. પ્રથમ જાહેર સભા સવારે 11 કલાકે દ્વારકાના ખંભાળડી ખાતે, બીજી જાહેર સભા ગીર સોમનાથ ખાતે બપોરે 1 કલાકે કોડીનાર વિધાનસભા ખાતે યોજાશે. ત્રીજી જાહેર સભા માંગરોળ વિધાનસભા ખાતે બપોરે 3 વાગ્યાથી અને ચોથી જાહેર સભા ભુજ વિધાનસભા ખાતે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે.
રાહુલ ગાંધી રાજકોટ અને મહુધામા સભા કરશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ‘ભારત જોડો યાત્રા’ પર છે. રાહુલ ગાંધીએ હિમાચલ વિધાનસભા ચૂંટણીના પ્રચારથી અંતર રાખ્યું હતું. રાહુલ ગાંધી હવે સોમવારથી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરતના મહુધામાં ચૂંટણી સભાને સંબોધશે.
ગુજરાતના ત્રણ જિલ્લામાં યોગી આદિત્યનાથની જાહેર સભાઓ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ સોમવારે ત્રણ જાહેરસભાઓને સંબોધશે. યોગી આદિત્યનાથની આ જાહેરસભાઓ ગુજરાતના છોટા ઉદેપુર, ખેડા અને પોરબંદર જિલ્લામાં યોજાવાની છે.
કેજરીવાલ અમરેલીમાં રોડ શો કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાટીદારોના ગઢ ગણાતા અમરેલીમાં રોડ શો કરશે. કેજરીવાલ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સાંસદો રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ પણ ગુજરાતના વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટી માટે પ્રચાર કરશે.