વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી 72 કલાકમાં આઠ રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી 19મી નવેમ્બરે સાંજે ગુજરાત પહોંચ્યા બાદ વલસાડમાં રેલીને સંબોધિત કરશે અને ત્યારબાદ 20 નવેમ્બરે તેઓ સોમનાથ મંદિરે ભગવાનના દર્શન કરવા જશે.
ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદ ખાતે રેલીઓને સંબોધશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાંથી એક પણ બેઠક ભાજપના ખાતામાં આવી નથી. 21 નવેમ્બરે વડાપ્રધાન સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં રેલીઓને સંબોધશે. તે દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ નવસારી આવે તેવી શક્યતા છે.
કાર્પેટ બોમ્બિંગ સ્ટાઈલમાં પ્રચાર
ગુજરાતમાં પ્રથમ તબક્કાની બેઠકો માટે શુક્રવારે ભાજપના 46 રાષ્ટ્રીય અને 36 રાજ્યના નેતાઓએ કાર્પેટ બોમ્બિંગ સ્ટાઈલમાં પ્રચાર કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને આસામના મુખ્યમંત્રીઓ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ સહિત પાર્ટીના અધિકારીઓએ અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર શરૂ કરી દીધો છે.
વિવિધ નેતાઓ દ્વારા પ્રચાર શરૂ
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની 89માંથી 82 બેઠકો પર ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પરસોત્તમ રૂપાલા, નરેન્દ્ર તોમર, અનુરાગ ઠાકુર, જનરલ વીકે સિંહ, મનસુખ માંડવિયા સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી, ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ સાંસદ તેજસ્વી સૂર્યા સહિત પક્ષના પદાધિકારીઓ અને 46 સ્ટાર પ્રચારકો પ્રચાર કરશે.
1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ગુજરાતના પૂર્વ મંત્રી, સાંસદ અને અનેક વરિષ્ઠ નેતાઓ પણ ચૂંટણી સભાઓને સંબોધશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે.