યુપી કેડરના IAS અધિકારી અભિષેક સિંહ સામે ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ દ્વારા અભિષેક સિંહને ગુજરાત ચૂંટણીમાં જનરલ ઓબ્ઝર્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, IAS અધિકારી વિરુદ્ધ આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટિંગની તસવીરો ‘પબ્લિસિટી સ્ટંટ’ તરીકે શેર કરી હતી.
સૂત્રો મુજબ, 2011 બેચના અધિકારીએ જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમની પોસ્ટ શેર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો અને તેમની પોઝિશનનો ઉપયોગ ‘પબ્લિસિટી સ્ટંટ’ તરીકે કર્યો હતો. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી અને ગુજરાત ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર તરીકેની તેમની ફરજોમાંથી મુક્ત કર્યા.
અભિષેક સિંહ ઉત્તર પ્રદેશ કેડરના 2011 બેચના આઈએએસ અધિકારી છે, જેમને અમદાવાદના બાપુનગર અને અસરવા વિધાનસભા વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે આદેશમાં અભિષેક સિંહને તાત્કાલિક વિધાનસભા વિસ્તારને છોડવાનો અને પોતાના નોડલ ઓફિસરને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમને અપાતી તમામ સરકારી સુવિધાઓ પણ પરત લેવામાં આવશે. તેમના સ્થાને હવે 2011ની બેચના IAS અધિકારી કૃષ્ણ વાજપેયી હવે બાપુનગર અને અસરવામાં ઓબ્ઝર્વર ડ્યુટીની દેખરેખ કરશે.
સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચે અધિકારીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને ખૂબ જ ગંભીરતાથી લીધી અને એટલા માટે તેમને તાત્કાલિક જનરલ ઓબ્ઝર્વર પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે.