સુરત શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં 100 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો 20 જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, 20 લોકોમાંથી 8 લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય 12 લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે 100ની જગ્યાએ 500 રુપિયાની નોટ નીકળી રહી હતી. આ ખામીને કારણે 20 લોકોએ 60 હજાર જેટલા વધારાના રૂપિયા ઉપાડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ અંગેની જાણ થતા બેંકના અધિકારીઓએ થોડા સમય માટે એટીએમ બંધ કરવામાં આવ્યુ હતુ. આ ટેક્નિકલ ખામીને સુધારીને ફરીથી એટીએમ શરૂ કરવામાં આવ્યુ હતુ.
બેંક દ્વારા 20 લોકોનો સંપર્ક કરીને પૂછ્વામાં આવ્યુ ત્યારે એમાથી 12 લોકોએ કહ્યુ કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે. જ્યારે આઠ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. જોકે, જે લોકોએ આ ટેક્નિકલ ખામીમાં રૂપિયા ઉપાડ્યા છે તે તમામ સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. જે લોકોએ રુપિયા પરત નથી કર્યા તેમને પહેલા સમજાવવામાં આવશે. જો રુપિયા પરત નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, એટીએમમાં 100, 500, 2000ની નોટો મુકવા માટે અલગ અલગ ખાના હોય છે. રૂપિયા એટીએમમાં ભરતી વખતે ભૂલથી 100ની નોટના ખાનાની જગ્યાએ 500ની નોટનું અને 500ની નોટના ખાનાની જગ્યાએ 100નું મુકાતા ખામી સર્જાઈ હતી.