વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. ગુજરાતમાં બે ચરણમાં મતદાન યોજાનાર છે. જેમાં પ્રથમ ચરણમાં 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. આવતીકાલથી તમામ સ્ટાર પ્રચારક નેતાઓ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના અન્ય જીલ્લાઓમાં પણ સભા ગજવવા આવી રહ્યા છે. સ્ટાર પ્રચારકોમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી જેમાં યુપીના સીએમ, મધ્યપ્રદેશના સીએમ, યુવા મોરચાના અધ્યક્ષ સહિતના નેતાઓ આવતીકાલથી ગુજરાતમાં પ્રથમ તબક્કાનાં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર કરશે.
આવતીકાલથી કેન્દ્રીય સ્ટાર પ્રચારકો ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેની તમામ તડામારે તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને ફરવા માટે હેલીકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક હેલિકોપ્ટર કમલમની પાછળ હેલિપેડ બનાવીને રાખવામાં આવ્યું છે. જ્યારે બાકીના હેલીકોપ્ટરને અમદાવાદ એરપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા 182 બેઠકોનાં ઉમેદવારો જાહેર કર્યા બાદ તેઓને પ્રચાર માટે કેન્દ્રીય નેતાઓ હવે આવતીકાલથી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રીયમંત્રીઓ પ્રચાર કરવાનાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તમામ કેન્દ્રીય નેતાઓની સભાઓની યાદી પણ તૈયાર કરી દીધી છે.
જે.પી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા નવસારી,અંકલેશ્વર અને રાજકોટ ઇસ્ટ ખાતે કરશે ચૂંટણી પ્રચારમાં સભાઓ ગજવશે અને ભાજપ પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યોને લઈ મતદારો સમક્ષ રજૂ કરીને મતદારોને રીઝવવાને પ્રયાસ કરશે.
નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ આવતીકાલે ગુજરાત પધારી રહ્યા છે. ત્યારે તેઓ જામનગર, ભરૂચ અને ઓલપાડમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે તેમનો કિંમતી વોટ ભાજપના ઉમેદવારને આપી વિજયી બનાવવા અપીલ કરશે.
અનુરાગ ઠાકુર અને શિવરાજસિંગ ચૌહાણ
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને માંગરોળ, માંડવી તેમજ બારડોલીમાં સભાઓ કરી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંગ ચૌહાણ માંડવી, અબડાસા, મોરબી, ભાવનગરમાં ભાજપના ઉમેદવારની જીતાડવા માટે સભાઓ ગજવશે.
આદિત્યનાથ યોગી અને દેવેન્દ્ર ફડનવીશ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ગુજરાત ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે યોગી આદિત્યનાથ પણ વાંકાનેર, ઝગડીયા, સુરતમાં તેઓ સભા ગજવશે. જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ પણ આવતીકાલે મહુવા,તળાજા,ગારીયાધાર અને લિંબાયતમાં સભાને સંબોધશે.
તેજસ્વી સૂર્યા
ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ત્યારે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા જંબુસર, વાગરા અને સુરતમાં ચૂંટણી સભાઓ ગજવશે.