ચિક્કાર દારૂ પીને ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે આવેલા યુવકને પોલીસે લોકઅપની મુસાફરી કરાવી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે યુવક દારૂ ઢીંચેલી હાલતમાં એરપોર્ટ પર આવ્યો હતો જ્યાં તેની મુંબઇની ફ્લાઇટ મીસ થઇ ગઇ હતી અને તેનો સામાન પણ ગુમ થઇ ગયો હતો. ફ્લાઇટ મીસ થતા તેમજ સામાન ગુમ થયા યુવક ગીન્નાયો હતો અને એરપોર્ટમાં ધમાલ મચાવીને ગાળો બોલવા લાગ્યો હતો. યુવકને કંટ્રોલમાં કરવા માટે ટર્મીનલ મેનેજરે પોલીસને જાણ કરીને બોલાવી દીધી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને લોકઅપમાં પુરી દીધો હતો.
ગાંધીનગર ખાતે આવેલી શ્રી બાલાજી અગોરા રેસીડન્સીમાં રહેતા અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ટર્મીનલ મેનેજર તરીકે ફરજ બજાવતા સતપાલસિંહ ભદ્રીપ્રસાદ દેવતવાલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કૃણાલ સાગર સુધીર (રહે સર્વણીમ સ્કાય, વૈષ્ણોદેવી સર્કલ) વિરૂદ્ધ દારૂ પીને ધમાલ મચાવવાની ફરિયાદ કરી છે. કૃણાલને મુંબઇ જવાનુ હોવાથી તે ગઇકાલે ડોમેસ્ટીક એરપોર્ટ પર પહોચ્યો હતો. જ્યાં તેનો સામાન ગુમ થઇ જતા ધામલ મચાવી હતી. કૃણાલ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યો હતો. જ્યાં તેની ફ્લાઇટ મીસ થઇ ગઇ હતી.
ફ્લાઇટ મીસ થતા તે ઉશ્કેરાયો હતો ત્યારે તેનો સામાન પણ ગુમ થઇ ગયો હતો. કૃણાલનો સામાન ગુમ થતા તે તરત જ ટર્મીનલ મેનેજર સતપાલસિંહ દેવતવાલે પાસે પહોચ્યો હતો. જ્યા તેણે અપશબ્દો બોલવાનું શરુ કરી દીધુ હતું. કૃણાલને ઉભા રહેવાના પણ હોશ હતા નહી અને તેણે એરપોર્ટમાં હંગામો કરી દીધો હતો. કૃણાલ કંટ્રોલ બહાર જતા રહેતા અંતે સતપાલસિંહે પોલીસને જાણ કરી દીધી હતી.
એરપોર્ટ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કૃણાલની ધરપકડ કરી લીધી હતી. સતપાલસિંહે કૃણાલ વિરૂદ્ધ દારૂ પીને ધમાલ મચાવવા મામલે ગુનો દાખલ કર્યો છે અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.