વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારને લઈ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ત્રણ જાહેરસભાઓ યોજવાના છે. આ અભિયાનને લઈને રાજ્યભરમાં વડાપ્રધાનની 30 જેટલી રેલીઓ થઈ શકે છે. PM મોદીના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી પ્રચારની શરૂઆતનું પોતાનું આગવું મહત્વ છે. આ વખતે ભાજપ કોઈપણ સંજોગોમાં આ વિસ્તારમાં પોતાનું પ્રદર્શન સુધારવા માંગે છે. સૌરાષ્ટ્રમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 48 બેઠકો છે. કોઈપણ પક્ષ માટે આ પ્રદેશમાં 48 બેઠકો સરકાર બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) મતદારોનું પ્રભુત્વ ધરાવતા પ્રદેશમાં કોંગ્રેસ 2017ની છેલ્લી ચૂંટણીઓમાં 15 થી 28 બેઠકો મેળવવામાં સફળ રહી હતી. આ પ્રદેશમાં પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શનનો શ્રેય પાટીદાર અનામત આંદોલનને આપી શકાય છે. જોકે, આ વખતે ચિત્ર ગત વખત કરતા થોડું અલગ છે કારણ કે ભાજપ વિરોધી પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હવે પોતે ભાજપમાં જોડાઈને આ ચૂંટણી લડી રહ્યો છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, આ વખતે ભાજપ આ વિસ્તારમાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું, “સુધારાની વાત છોડો, આ વખતે કોંગ્રેસ માટે અગાઉના આંકડા જાળવી રાખવાનું અશક્ય છે. 2017માં તેમણે પાટીદાર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને પ્રદેશમાં વધુ બેઠકો મેળવવામાં સફળ રહ્યા. 2017માં કોંગ્રેસે પ્રદેશમાં બહુમતી બેઠકો જીતી હતી અને પક્ષના ઘણા લોકો માને છે કે ,તે પાટીદાર આંદોલન હતું જેણે કોંગ્રેસને ભાજપને સખત લડત આપવામાં મદદ કરી હતી. ભાજપને આશા છે કે, આ વખતે તેની સંખ્યા સુધરશે અને 127 બેઠકોનો પોતાનો જ રેકોર્ડ તોડશે.
બીજેપી નેતાનું માનવું છે કે, પહેલીવાર ગુજરાતની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી આ પ્રદેશમાં મતોનું વિભાજન કરીને કોંગ્રેસની રમત બગાડી શકે છે. જો કે AAP પણ અહીં એકપણ સીટ જીતી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને ગુજરાતમાં પોતાનો સીએમ ચહેરો બનાવ્યો છે. ઇસુદાન તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી ચૂંટણી લડશે.
AAPના વરિષ્ઠ નેતા યોગેશ જાદવાણીએ કહ્યું કે, તેઓ પ્રદેશમાં ઓછામાં ઓછી 25 વિધાનસભા બેઠકો જીતશે. તેમણે કહ્યું, ‘આ વખતે લડાઈ ગુજરાતની જનતા અને ભાજપ વચ્ચે છે. જેઓ અમારી સાથે છે તે ચોક્કસ જીતશે. કોંગ્રેસ પાસે સિંગલ ડિજિટ સીટો બાકી રહેશે.
સૌરાષ્ટ્રમાં શરૂઆતથી જ ભાજપ મજબૂત છે. પરંતુ 2017માં પાટીદાર આંદોલનને કારણે તેને ફટકો પડ્યો હતો. આ વિસ્તારમાં કોંગ્રેસે ભાજપને જોરદાર પરાજય આપ્યો હતો. કદાચ તેનું કારણ એ પણ હતું કે, પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ત્યારે કોંગ્રેસમાં હતા. કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં 45 ટકા વોટ અને સૌથી વધુ 30 બેઠકો મળી હતી. આ સાથે ભાજપની બેઠકોની સંખ્યા ઘટીને 23 થઈ ગઈ હતી. અગાઉની ચૂંટણીની વાત કરીએ તો 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અહીં 35 બેઠકો જીતી હતી.