યુ.એન મહેતા હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. આ વખતે નવા ડિરેક્ટરની નિમણૂકના કારણે અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ચર્ચામાં આવી છે. વાસ્તવમાં હોસ્પિટલના ડિરેક્ટરના પદ પર 73 વર્ષીય આર.કે. પટેલની નિમણૂક કરતા વિવાદ સર્જાયો છે. એક અરજદારે UN મહેતા હોસ્પિટલના ડિરેક્ટરની નિમણૂકને હાઈકોર્ટમાં પડકારી છે.
અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, નિયમ મુજબ ડિરેક્ટરે પદે નિમણૂક થતા વ્યક્તિની વય 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ, પરંતુ સરકારે 73 વર્ષીય આર.કે પટેલની નિમણૂક કરી છે. તે ગેરકાયદે છે અને હોસ્પિટલના નિયમોની વિરૂદ્ધ છે.
અરજદારે જણાવ્યું છે કે, અગાઉ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ડની ઉંમર થતા તેમને પણ ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. તો આર.કે પટેલની નિમણૂક સામે નિયમોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી? સરકારે કેમ 73 વર્ષના વ્યક્તિની હોસ્પિટલના ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે? શું નિયમોનું ઉલ્લંઘન કરીને આર.કે પટેલને સાચવવામાં આવી રહ્યા છે?
હાઈકોર્ટમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવતા હાઈકોર્ટે આ મામલે સરકાર અને આર.કે પટેલને નોટિસ પાઠવી છે. અરજદારની અરજી પર સુનાવણી 12 ડીસેમ્બરના રોજ કરાશે.