ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે યોજાનારી સમિટની અધ્યક્ષતા સ્વીકારી હતી. પીએમના સ્વીકાર બાદ હવે આવતા વર્ષે 2023માં જી20 દેશોની બેઠક ભારતમાં મળશે. ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ પીએમ મોદીને જી20 દેશોની અધ્યક્ષતા સોંપી હતી.
પીએમ મોદીએ આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, દુનિયા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે અને તેમાંથી બહાર નીકળવા માટે જી-20 દેશોએ પ્રયાસો કરવા પડશે. તેમણે જી-20 દેશોને જણાવ્યું હતું કે, “તમારું રોકાણ અને અમારી નવીનતા ચમત્કાર સર્જી શકે છે.” તમારો વિશ્વાસ અને અમારું ટેકનિકલ જ્ઞાન વસ્તુઓને વધુ સારી બનાવી શકે છે. હું આપ સૌને આમંત્રણ આપું છું કે, તેઓ ખભેખભો મિલાવીને કામ કરે અને દુનિયાની સમસ્યાઓનું સમાધાન શોધે.
આવતા વર્ષે જી-20 દેશોની બેઠકની અધ્યક્ષતા સ્વીકારતા પીએમ મોદીએ કહ્યું કે, “અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. આપણા અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. અમને આશા છે કે તમે બધા લોકશાહી ભારતમાતામાં ભાગીદાર બનશો. પીએમ મોદીએ કહ્યું કે આજે આખી દુનિયાની નજર ભારત તરફ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે.
પ્રધાનમંત્રીએ ભારતમાં ડિજિટલ ક્રાંતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “અમે ભારતમાં તમામને ડિજિટલ સુલભતાને પ્રોત્સાહન આપ્યું છે. આજે પણ દુનિયામાં ડિજિટલ ડિવાઇડ છે. વિશ્વના મોટાભાગના વિકાસશીલ દેશોમાં લોકોની પાસે ડિજિટલ સુવિધાઓ નથી. અત્યારે પણ માત્ર 50 દેશો એવા છે જ્યાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો વિસ્તાર થાય છે. તેમણે કહ્યું કે આ વ્યવસ્થા દરેક જગ્યાએ પહોંચે તે જરૂરી છે. આ સિસ્ટમ સમાવેશી બન્યા વિના સફળ થશે નહીં. તેમણે કહ્યું હતું કે, ડિજિટલ પરિવર્તન માનવ સમાજનાં માત્ર એક વર્ગ પૂરતું મર્યાદિત ન રહે એ લોકોની જવાબદારી છે.