ચૂંટણી જાહેર થયા બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી જાણે કે ગોકળગતિએ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી તરફ દૂધ લેવા નીકળેલા વૃદ્ધને ગાયે ઢીંકે ચડાવી મોતના મુખ સુધી પહોંચાડ્યાનો બનાવો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રખડતા ઢોરના અજાણ્યા માલિક સામે ગુનો નોંધી તેની શોધખોળની કામગીરી શરૂ કરી છે. રાજકોટમાં રખડતા ઢોરે કોઈ નાગરિકનો ભોગ લીધો હોય તે પ્રકારનો પ્રથમ ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવતા ત્રિલોક પાર્કમાં રહેતા વૈભવ ઠકરાર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ગત આઠમી તારીખના રોજ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરતા પિતા રસિકલાલ ઠકરાર ઘર પાસે દૂધ લેવા પગપાળા ગયા હતા. તે દરમિયાન ગાયે તેમને અડફેટે લીધા હતા. સમગ્ર બનાવવાની જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરમિયાન અજાણ્યા લોકોએ પણ ગાયને દૂર કરવાની કોશિશ કરી હતી, પરંતુ ગાય ત્યાંથી દૂર જતી જ નહોતી. સમગ્ર મામલે મારા પિતાની હાલત ગંભીર હોય તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યાર બાદ સમગ્ર મામલે અમારા દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક અકસ્માતના બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. ચૂંટણી પૂર્વે જ્યારે મહાનગરપાલિકાના પશુરંજાળ વિભાગ દ્વારા મોટાપાયે રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ઉપર કેટલાક શખ્સોએ હુમલો પણ કર્યો હતો. તેમજ તાજેતરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા હુમલો કરનારા તમામ છ શખ્સો સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ હાલ માર્કેટયાર્ડના કમિશન એજન્ટના મોતના બનાવવામાં રખડતા ઢોરના માલિકને કેટલા સમયમાં ઝડપી પાડે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.