પહાડી રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા હિમવર્ષાની અસર હવે ધીમે ધીમે સમગ્ર ઉત્તર ભારત અને મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. પહાડી રાજ્યોમાં જ થઈ રહેલી બરફવર્ષાના કારણે ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ઠંડી વધી ગઈ છે. રાજધાની દિલ્હીમાં વાયુ ગુણવત્તામાં સુધારો આવ્યો છે, જો કે, આ તમામની વચ્ચે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. યૂપી અને બિહારમાં ઠંડીનો પ્રકોપ વધતો જાય છે અને ભેજ પડવાનું શરુ થઈ ગયું છે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હળવો વરસાદ અને બરફવર્ષાનું પૂર્વાનુમાન જણાવ્યું છે. તો આજે તમિલનાડૂ, પુડુચેરી અને કરાઈકલ, લક્ષદ્વિપ,કેરલ અને માહેના અલગ અલગ વિસ્તારોમાં વિજળીના કડાકા અને ભડાકા સાથે હળવો વરસાદ થવાના અણસાર છે. થોડા દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મોટા ભાગમાં ન્યૂનતમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટાડાનું પૂર્વાનુમાન છે. હાલમાં યૂપી-બિહાર સહિત ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદના અણસાર નથી.
હવામાન સંબંધીત જાણકારી આપનારી વેબસાઈટ સ્કાઈમેટના જણાવ્યા અનુસાર, અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહ અને લક્ષદ્વિપમાં હળવો વરસાદ થવાની સાથે અમુક સ્થાન પર ભારે વરસાદ થઈ શકશે, એટલું જ નહીં તમિલનાડૂ, કેરલ, દક્ષિણ આંતરિક કર્ણાટકના અમુક ભાગ અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકશે. સાથે જ આગામી 2થી 3 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના અમુક ભાગમાં દિવસ અને રાતના તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો આવી શકશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં તેજ હવાના કારણે વાયુ ગુણવત્તામાં સુધારો થવાનો અણસાર છે.