વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. આ દરમિયાન G20 સમિટ શરૂ થતાં બંને નેતાઓએ કેટલીક હળવા ક્ષણો શેર કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શેર કરાયેલ ફોટામાં વિશ્વની બે મહાસત્તાઓના મુખ્ય નેતાઓ હાથ મિલાવતા અને હસતા જોવા મળે છે. આ પહેલા પીએમ મોદી ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ વાત કરતા જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, હાલ G-20 સમિટનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પીએમ મોદી અને જો બિડેન સિવાય ઘણા દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 17મી G-20 સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા છે. આ દરમિયાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની આ ત્રણ દિવસીય મુલાકાત છે. પીએમ અહીં 20 કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ 10 વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ મોદી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.
G20 સમિટમાં ભાગ લેવા માટે બાલી જતા પહેલા વડાપ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ભારતની સિદ્ધિઓ અને વૈશ્વિક પડકારોનો સામૂહિક રીતે સામનો કરવા માટેની તેની મજબૂત પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરશે. બાલી જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ બાલી સમિટ દરમિયાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, પર્યાવરણ, આરોગ્ય અને ડિજિટલ પરિવર્તન જેવા વૈશ્વિક ચિંતાના મુખ્ય મુદ્દાઓ પર G20 દેશોના નેતાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરશે. તેમણે કહ્યું કે, શિખર સંમેલનમાં વાટાઘાટો દરમિયાન તેઓ ભારતની સિદ્ધિઓ અને વૈશ્વિક પડકારોનો સામૂહિક રીતે સામનો કરવા માટે તેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરશે.
પીએમ મોદી બાલીમાં અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે, પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થશે કે નહીં. જો મોદી અને જિનપિંગ મળે છે, તો જૂન 2020માં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સરહદ અથડામણ પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ સામ-સામે વાતચીત હશે. આ પહેલા સપ્ટેમ્બરમાં બંને ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં પહોંચ્યા હતા પરંતુ તેમની મુલાકાત થઈ શકી ન હતી.