ભારતના વિવિધ ભાગોમાં વિવિધ ઠંડીની અસર જોવા મળી રહી છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે, જ્યારે દક્ષિણ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પણ વરસાદ પડ્યો છે. રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. નારકંડા અને ખડાપથરમાં સામાન્ય હિમવર્ષા જોવા મળી છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાકમાં ચંબા, કાંગડા, લાહૌલ-સ્પીતિ, મંડી, કુલ્લુ, શિમલાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ, ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થવાની આગાહી છે.
પર્યટન શહેર મનાલી સહિત આસપાસના વિસ્તારોમાં સોમવારે સવારથી હિમવર્ષા ચાલુ રહી હતી. આજે મનાલીમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી નોંધાયું હતું. ખીણમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. રોહતાંગમાં 8 ઈંચ હિમવર્ષા નોંધાઈ છે. સોમવારે મારહીમાં લગભગ 1 ફૂટ અને ગુલાબામાં 4 ઇંચ હિમવર્ષા નોંધાઈ હતી. ખરાબ હવામાનને કારણે અટલ ટનલને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. સોલંગ નાળાથી આગળ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવામાન સ્વચ્છ થયા બાદ જ આગળ જવાની પરવાનગી આપવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ઉંચા પહાડો પર પણ હિમવર્ષા થઈ છે. સોમવારે પૂંચ અને કુપવાડા જિલ્લામાં આ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આકાશમાં ગાઢ વાદળો છે. સૂર્યપ્રકાશની કોઈ આશા નથી. વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે મુગલ રોડને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને રુદ્રપ્રયાગ જિલ્લામાં, ઊંચા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે હિમવર્ષા થઈ છે.
ઉત્તરાખંડ હવામાન કેન્દ્રના નિર્દેશક વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, 3500 મીટરથી વધુની ઉંચાઈવાળા વિસ્તારોમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. જો આમ થશે તો મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી શકે છે. તેમણે કહ્યું કે રાજધાની દૂનમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારતમાં સવારે અને સાંજે ખૂબ જ ઠંડી પડી રહી છે.