ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપે 166 બેઠકમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેને લઇ અનેક બેઠકોમાં કાર્યકરોએ ઉમેદવારોનો વિરોધ કર્યો છે. ખાસ કરીને મહેસાણાની વિજાપુર, કાલાવડ, અમરેલીની સાવરકુંડલા બેઠકમાં જાહેર થયેલા ઉમેદવારનો હાલમાં ભારે વિરોધ થઈ છે. જેમાં વિજાપુરના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલય કમલમમાં, કાલાવડના કાર્યકરોએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને અને સાવરકુંડલાના કાર્યકરોએ પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલએ રજૂઆત કરી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય રમણ પટેલને રિપીટ કરીને ટિકિટ આપી છે. જેને લઈ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કમલમ પહોંચી ઉમેદવાર બદલવા માગ કરી છે. આ દરમિયાન કાર્યકરોએ “વિજાપુર બચાવો રમણ પટેલને હટાવો” ના સૂત્રાચ્ચાર કરી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માગ કરી હતી.
કાલાવડ વિધાનસભામાં ઉમેદવારનો વિરોધ
આ તરફ કાલાવડ વિધાનસભામાં પણ ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છે. કાલાવડમાં ભાજપે મેઘજી ચાવડાને ટિકિટ આપી છે. જેથી ભાજપ કાર્યકર્તાઓએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગને રજૂઆત કરીને ઉમેદવાર બદલવા માગ કરી છે.
અમરેલીના સાવરકુંડલામાં ઉમેદવાર સામે કચવાટ
અમરેલીના સાવરકુંડલામાં ભાજપ ઉમેદવાર સામે દાવેદારો અને કાર્યકરોમાં કચવાટ જોવા મળ્યો છે. જેને લઇ પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારો કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ઉમેદવારનું નામ જાહેર થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકોમાં એક મંત્રી સહિત ત્રણ ધારાસભ્યોના પત્તા કપાયા છે. જે ધારાસભ્યોના પત્તા કપાયા છે, તેવા ધારાસભ્યોમાં અને તેમના સમર્થકોમાં નિરાશા જોવા મળી છે. યાદી જાહેર થયા બાદ વડોદરા જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપમાં બળવાના એંધાણ વર્તાય રહ્યા છે. વડોદરાની વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પર બળવાની સ્થિતિ દેખાઈ રહ્યા છે. જેથી મધુ શ્રીવાસ્તવ, સતિશ પટેલ અને દિનુ પટેલ નારાજ થયા છે.