ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં કોંગ્રેસે કુલ 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે બીજી યાદીમાં કોંગ્રેસે 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં રાજકોટની 2 બેઠકોને લઇને કોંગ્રેસનો પેચ ફસાયો હતો. કારણ કે કોંગ્રેસની આ યાદીમાં પશ્ચિમ અને પૂર્વ બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી હતા. ત્યારે હવે રાજકોટની પૂર્વ બેઠક પર કોંગ્રેસનું ચિત્ર ક્લિયર થઇ ગયું છે. કારણ કે રાજકોટની પૂર્વ બેઠક પરથી ઇન્દ્રનિલ રાજ્યગુરૂ ચૂંટણી લડશે.
ઇન્દ્રનિલ રાજ્યગુરૂ કે જેઓ રાજકોટ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડશે. થોડા સમય પહેલા જ તેઓએ AAPમાંથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. 2012થી 2017 દરમ્યાન તેઓ ધારાસભ્ય રહી ચૂક્યાં છે. મહત્વનું છે કે, અગાઉ આ પૂર્વ બેઠક પર પૂર્વ મેયર અશોક ડાંગરનું નામ હતું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં ઘરવાપસી કરતાની સાથે જ તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે, ‘હું પાર્ટીમાં રહીને AAP અને ભાજપને હરાવવાનું કામ કરીશ. મને ધારાસભ્ય બનવાનો કોઈ મોહ નથી અને સરકાર બદલવા માટે રાજકારણમાં સક્રિય રહ્યો છું. હું આજીવન કોંગ્રેસની સેવા કરતો રહીશ અને મને પક્ષ જે કામ સોંપશે એ કાર્ય કરીશ. મારે ચૂંટણી નથી લડવી અને હું કેજરીવાલને રોકવાની કોશિશ કરીશ.’
વધુમાં પશ્ચિમ બેઠકને લઇને પણ કોંગ્રેસ મૂંઝવણમાં છે કારણ કે પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસના ગોપાલ અનડકટના નામની પસંદગીને લઈને તેમજ પશ્ચિમ બેઠકમાં મનસુખ કાલરિયાના નામની પસંદગીને લઈને પણ કોંગ્રેસ જોવા મળી રહી છે. જો કે પશ્ચિમ બેઠક માટે પણ કોંગ્રેસ ગમે ત્યારે ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે AAPએ લગભગ 170થી વધુ બેઠકો પર મુરતિયા ઉતારી દીધા છે. ત્યારે કોંગ્રેસે અગાઉ જાહેર કરેલી 43 ઉમેદવારોની યાદી બાદ આજે ગઇકાલે મોડી રાત્રે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 46 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.