વિધાનસભાની ચૂંટણીના તારીખો જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ કોંગ્રેસથી નારાજ કેટલાક કાર્યકરો અને પુત્રનાં મોહમાં પુત્રને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી છેલ્લે નિરાશા મળનાર કાર્યકરો દ્વારા ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોના લીસ્ટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડેયાલા ત્રણ ધારાસભ્યોની બાદબાકી કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાજપ દ્વારા આજે 160 વિધાનસભાની સીટોના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે.ભાજપ દ્વારા સૌથી વધુ યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરી યુવા મતદારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પુત્રને ટિકિટ અપાવવા માટે બે દિવસ પહેલા જ કોંગ્રેસના હાથ છોડીના ભાજપનો ખેસ ધારણ કરનાર મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપ દ્વારા છોટાઉદેપુરથી ટિકિટ આપી છે. ત્યારે રાજેન્દ્રસિંહ રાઠવા પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડશે.
છોટાઉદેપુરથી પ્રથમ વખત દાવેદારી નોંધાવનાર રાજેન્દ્રસિંહ રાઠવાને ટીકીટ મળતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને સમર્થકો દ્વારા ગળ્યું મોં કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે ટિકિટ મળ્યા બાદ રાજેન્દ્રસિંહ રાઠવાએ નિવેદન આપ્યું હતું કે, ‘ભાજપે મારા પર વિશ્વાસ મુકીને મને ટિકિટ આપી છે. ત્યારે હું છોટાઉદેપુર વિધાનસભા બેઠક ભાજપને જીતાડીને દેખાડીશ.’
જ્યારે નવ આગેવાનોની ટિકિટ આપવામાં આવી છે. 2019 બાદ કોંગ્રેસ છોડી 19 ધારાસભ્યો ભાજપમાં આવ્યા હતા. જેમાં કેટલાકને પેટા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ક્યા ધારાસભ્ય કે કાર્યકરને ટિકિટ મળી, કોની ટિકિટ કપાઈ, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ત્રણ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં હકુભા જાડેજા, બ્રિજેશ મેરજા તેમજ પરસોત્તમ છાબરીયાને ટિકિટ મળી નથી. જ્યારે ભગવાન બારડ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જવાહર ચાવડા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, જેવી કાકાડિયા, જીતુ ચૌધરી, અક્ષય પટેલ, અશ્વિન કોટવાલ તેમજ મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે.
સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકર્ડ રાજેન્દ્રસિંહના પિતા મોહન રાઠવાના નામે છે. તેમના ભાજપમાં જોડાવવાને કારણે ચૂંટણી સમયે જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા મોહન રાઠવા હવે ભાજપમાં જોડાયા છે.
મોહન રાઠવા કોંગ્રેસના સિનિયર નેતા છે અને છોટાઉદેપુરથી બે ટર્મથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. મોહન રાઠવા સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકર્ડ ધરાવે છે. 1972થી અત્યાર સુધી મોહનસિંહ રાઠવા 8 વખત ધારાસભ્ય બન્યા છે. અગાઉ તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
થોડા સમય પહેલા રાજેન્દ્ર ત્રિવેદીએ મોહનસિંહ રાઠવાના વખાણ કર્યા હતા. જેમાં મોહનસિંહ રાઠવા પાસેથી સભ્યોને ગૃહની ગરિમાના પાઠ શિખવા ટકોર કરી હતી.