અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં રહેતા અને વાસણનો ધંધો કરતા એક વેપારીના ઘરમાં વિચિત્ર ચોરીનો કિસ્સો બન્યો હોવાનું સામે આવ્યુ છે. વેપારીના ઘરમાં ઉધઇ થઇ હોવાથી તેઓએ ઉધઇ ટ્રીટમેન્ટની કામગિરી કરાવી હતી. જેનાથી ઉધઇનો તો સફાયો ન થયો પણ તસ્કરો 24 લાખના સોનાના દાગીના અને કેમેરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શાહીબાગમાં રહેતા સુરેશકુમાર જૈન તેર વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે. બાર વર્ષથી તેઓ ખાડિયામાં વાસણની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. છેલ્લા ઘણા સમયથી તેમના ત્રણ બેડરૂમ હોલ કિચનવાળા મકાનમાં ઉધઇ આવતી હતી. જેથી બાળકોના રૂમમાં અને અન્ય એક રૂમમાં તેઓએ ઉધઇની ટ્રીટમેન્ટ કરાવવાનું શરૂ કર્યું હતું.
કિશનસિંહ રાજપુત અને કારીગર સખારામ પાસે ઉભા રહીને સુરેશકુમારે આ ટ્રીટમેન્ટ બે રૂમમાં કરાવી હતી. ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી તેઓએ તમામ સામાન અને દાગીના અનાજ ભરવાની પ્લાસ્ટિકની બેગમાં મૂકી બાળકોના રૂમમાં મૂકી દીધી હતી. તે દિવસે રાત્રે તો તેઓ પરિવાર સાથે સુઇ ગયા હતા. બીજા દિવસે કિશનસિંહ અને કારીગર સખારામ ઉધઇની ટ્રીટમેન્ટ માટે આવેલા અને સાંજે કામ પતાવીને જતા રહ્યા હતા. જેથી સુરેશકુમાર પણ તેમની માતાને ઘરે પરિવાર સાથે ઘર બંધ કરીને ગયા હતા.
થોડા દિવસ રહીને તેઓ પરત ઘરે આવ્યા ત્યારે દરવાજો સાધારણ ખુલ્લો દેખાયો હતો. જેથી તેઓને એમ કે પવનને કારણે દરવાજો ખુલી ગયો હશે. જેથી કપડા લઇને પરત માતાને ઘરે જતા રહ્યા હતા. ફરી થોડા દિવસ રહીને તેઓ તેમના ઘરે આવ્યા ત્યારે બાળકોના રૂમમાં મૂકેલા દાગીના અને કેમેરો તેઓને જણાયો નહોતો.
જેથી તપાસ કરતા આ સોનાના દાગીના સહિતની મતા ન મળતા 23.54 લાખની મતા ચોરી થઇ હોવાનુ જણાતા તેઓએ પોલીસને જાણ કરતા શાહીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.