ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે કુલ 160 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી.
ભાવનગરના મહુવામાં ભાજપમાં ભડકો
ભાવનગરના મહુવામાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિત કપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે મહુવા બેઠક પરથી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યોએ રાજીનામા આપી દીધા છે. સાથે જ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે.
રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કપાતા ગરમાવો
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને મહુવા ભાજપ સંગઠનના તમામ સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધારે સભ્યોએ સામૂહિક રાજીનામાં ધરી દીધા છે.
એકલધામના મહંત યોગી દેવનાથજી બાપુનું રાજીનામું
ઉમેદવારની જાહેરાત થતાં કચ્છ ભાજપમાં રાજકારણ ગરમાયું છે. કચ્છમાં ઉમેદવારોના નામ જાહેર થતા એકલધામના મહંત યોગી દેવનાથજી બાપુએ રાજીનામું આપી દીધું છે. દેવનાથ બાપુએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ તેમણે ટિકિટ વિતરણમાં એક તરફી નિર્ણયનો આક્ષેપ લગાવ્યો છે.
કચ્છની 6 બેઠકો પર કોને કોને અપાઈ ટિકિટ
કચ્છની છ બેઠકો માટેની વાત કરીએ તો માંડવી બેઠક પરથી અનિરુદ્ધ દવેને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અબડાસાથી પ્રધુમનસિંહ જાડેજા, ભુજથી કેશવલાલ પટેલ, અંજારથી ત્રિકમ છાંગા, ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી અને રાપરથી વિરેન્દ્રસિંહ જાડેજાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.