ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 160 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી 14 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)ની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. જ્યારે ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈને માથાકુટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુધ્ધસિંહ પોત-પોતાના દીકરાઓને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાની 148 અનુ.જનજાતી અનામત બેઠક પર ભાજપે પ્રથમવાર એક મહિલાને મેદાનમાં ઉતાર્યા છે. ડૉ.દર્શનાબેન દેશમુખ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે અને તેમણે આદિજાતિ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અને વન વિકાસ નિગમના ડિરેક્ટર સહિત અનેક રાજ્યોના ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી કરી છે. તેમના પિતા સ્વ.ચંદુભાઈ દેશમુખ ભરૂચ સાંસદ તરીકે અનેક ટર્મ રહ્યા અને ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું, તેમના નાના ભાઈ રવી દેશમુખ વર્ષોથી RSSમાં સક્રિય હોદ્દાઓ પર રહ્યા છે, આ તમામ ગણિત ગોઠવી ભાજપે આજે ડૉ.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી છે અને ભાજપે આ બેઠક માટે જીત ચોક્કસ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત અનેક દિગ્ગજો હાજર હતા. કેટલાક નેતાઓને પાર્ટી દ્વારા મોડી રાત્રે જ ફોન કરી દેવામાં આવ્યા હતા.