કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. એક કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે, મનમોહન સિંહ દ્વારા 1991માં નાણાં પ્રધાન તરીકે શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને નવી દિશા આપી કારણ કે તે ઉદાર અર્થતંત્રની શરૂઆત કરે છે.
ગડકરી ‘TIOL એવોર્ડ્સ 2022’ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે, જેમાં ગરીબોને પણ ફાયદો થાય તે હેતુ હોય. 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા આપી. આર્થિક સુધારા માટે દેશ તેમનો ઋણી રહેશે. હું 90ના દાયકામાં મહારાષ્ટ્રમાં મંત્રી હતો. અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા.
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, કેવી રીતે ઉદાર આર્થિક નીતિ કોઈપણ દેશના વિકાસમાં મદદ કરી શકે તેનું ચીન એ એક સારું ઉદાહરણ છે. બીજી બાજુ ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતને આર્થિક વિકાસને વેગ આપવા માટે વધુ મૂડી ખર્ચ રોકાણની જરૂર પડશે. તેથી NHAI સામાન્ય માણસ પાસેથી હાઈવેના નિર્માણ માટે પણ ભંડોળ એકત્ર કરી રહ્યું છે. ગડકરીએ કહ્યું કે, તેમનું મંત્રાલય 26 ગ્રીન એક્સપ્રેસવે બનાવી રહ્યું છે અને તેમને ભંડોળની કોઈ અછતનો સામનો કરવો પડી રહ્યો નથી. તેમના મતે NHAIની ટોલ આવક 2024 સુધીમાં ₹1.40 લાખ કરોડ થશે જે હાલમાં વાર્ષિક ₹40,000 કરોડ છે.