દેશમાં 30 માર્ચ 2020 પછી પહેલીવાર કોરોનાથી એક પણ મોત નથી થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 625 દર્દી નોંધાયા. આ સંખ્યા પણ નવમી એપ્રિલ, 2020 પછી સૌથી ઓછી છે.
આ ઉપરાંત દેશમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 14 હજાર થઇ ગઇ છે. આ સંખ્યા 2022ની તુલનામાં થોડી વધુ છે, પરંતુ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે, આગામી બે-ત્રણ સપ્તાહમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ પાંચ હજારથી ઓછી થઇ જશે. ત્યારે આપણે સંપૂર્ણ આશ્વસ્ત થઇ શકીશું કે, દેશ હવે કોરોનામુક્ત થવાની અત્યંત નજીક છે. ભારતમાં કોરોનાથી પ્રતિ દિન થતાં મૃત્યુ હવે ફક્ત 0.24% જ રહી ગયા છે. એટલે કે, 400 નવા દર્દીમાંથી ફક્ત એક દર્દીનું મોત થઈ રહ્યું છે. સારી વાત એ છે કે, દુનિયાના તમામ દેશોમાં મૃત્યુદર 0.5% નીચે આવી ગયો છે.
રાજ્યમાં મંગળવારે 22 નવા કેસ નોંધાયા હતા. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 396 છે જેમાંથી માત્ર એક દર્દી વેન્ટિલેટર પર છે.રાજયના 13 જિલ્લાઓમાં એક્ટિવ કેસ શૂન્ય છે. જ્યોર 15 જિલ્લાઓમાં એક્ટિવ કેસ પાંચથી પણ ઓછા છે. સુરત જિલ્લામાં સૌથી વધારે 100 એક્ટિવ કેસ જ્યારે અમદાવાદમાં 97 કેસ છે. વડોદરામાં 76, ગાંધીનગરમાં 45 કેસ છે. ગત મહિનાની 8મીએ એક્ટિવ કેસ 706 હતા. મોટાભાગના કેસ આ ચાર જિલ્લાઓમાં છે. ગત 5મી નવેમ્બરે અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે એક મૃત્યુ થયું હતું. એ પહેલાં અમદાવાદમાં જ 17મી ઓક્ટોબરે કોરોનાએ એકનો ભોગ લીધો હતો.
દેશમાં કોરોનાનાં અઢી વર્ષ
4.47 કરોડ લોકો સંક્રમિત થયા. 10% હોસ્પિટલ ગયા.
5,30,384 લોકોનું મૃત્યુ, સૌથી વધારે કેરલ-મહારાષ્ટ્રમાં.
90.21 કરોડ કોરોના ટેસ્ટ કરાવ્યા
219.74 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા, એટલે કે 84% વસ્તીએ બે ડોઝ લીધા.
દુનિયામાં કુલ 63.3 કરોડો લોકો કોરોના સંક્રમિત થયા, જેમાં 9.8 કરોડ એકલા અમેરિકામાં સંક્રમિત થયા. દુનિયામાં કોરોનાથી કુલ 66 લાખ મોત થયા, જેમાં 10.7 લાખ મૃત્યુ એકલા અમેરિકામાં થયા.