અમદાવાદ શહેરમાં ફરી એક વખત કરોડો રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. જ્વેલર્સના કર્મચારી પાસેથી બે બાઈક ચાલકો કરોડોના સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા છે. જોકે, પોલીસને જાણ કરતા જ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ દોડતી થઈ ગઈ છે.
ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે. શહેરમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ અને અસમાજિક તત્ત્વો સામે અટકાયતી પગલાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ તમામ ઘટનાઓ વચ્ચે શહેર પોલીસને જાણે કે પડકાર ફેંકતા હોય તેમ બે લુંટારૂઓએ જાહેર અને ભરચક એવા શાહપુર વિસ્તારમાંથી સાંજના સમયે આશરે 3 કરોડ જેટલી કિંમતના 6 કિલો જેટલા સોનાના દાગીના ભરેલી બેગની લૂંટ ચલાવી છે.
સી. જી. રોડ પર આવેલા એસ. એસ. તીર્થ ગોલ્ડમાં નોકરી કરતા પરાગ શાહ અને ધર્મેશ શાહ આજે સવારે સોનાના દાગીના ભરેલી બે બેગ લઈને અલગ અલગ જ્વેલર્સમાં ગયા હતા. તેઓ નરોડામાં આવેલી ઝવેરાત અને પ્રમુખ જ્વેલર્સ, નિકોલમાં ગિરિરાજ જ્વેલર્સ અને ત્યાર બાદ બાપુનગરમાં આવેલા ભવ્ય ગોલ્ડ પેલેસમાં દાગીના બતાવ્યા બાદ તેઓ શાહપુર મેટ્રો સ્ટેશનથી સી. જી. રોડ પરત જઈ રહ્યાં હતા. તે દરમિયાન આ બનાવ બન્યો છે.
ભોગ બનનાર સોનાના દાગીના ભરેલી બેગ એક્ટિવા પર લઈને શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને બે શખ્સો આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલા શખ્સે બેગ છીનવવાનો પ્રયાસ કરતા ભોગ બનનારે એક્ટિવા રોકી હતી. જેમાં એક્ટિવા નમી જ્યાં તકનો લાભ લઇ એક્ટિવામાં આગળ મુકેલી બેગ લઈને ફરાર થવામાં લુંટારૂઓ સફળ થયા હતા.
સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ લુંટારૂઓ જે દિશામાં ફરાર થાય છે ત્યાંના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જોકે લુંટારૂઓએ શોધી કાઢવામાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે છે તે જોવું રહ્યું.