મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર તેણે આ મામલે લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે.
હાઈકોર્ટે જણાવ્યું છે કે, અમને રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અપેક્ષા છે. સાથે જ હાઈકોર્ટે મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, મનપા કમિશનર, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી છે. HCએ ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર આયોગને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે મોરબી ઘટનામાં 135 લોકોના મૃત્યુના પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલો પણ ધ્યાને લેવા રજિસ્ટ્રીને સૂચના આપી છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.
શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને ચીફ જસ્ટિસને સુઓમોટો લઈ ફરિયાદ કરવા વિનંતી કરી હતી. તેમનું કહેવું હતું કે, ઈન્કવાયરીથી કશું નહીં વળે. હાઇકોર્ટે ખુદ સુઓમોટો દાખલ કરવી પડશે તો જ જનતામાં વિશ્વાસ બંધાશે.
આ દુર્ઘટના બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કશૂરવાર 9 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે મોરબી કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે તમામ 9 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાંથી 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. જ્યારે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા હતા.