રાજકોટ અમદાવાદ હાઇવે પર એક બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત બામણબોર નજીક સર્જાયો હતો. જ્યાં ખાનગી બર રોડ પરથી ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આજે વહેલી સવારે મુસાફરો ભરેલી બસ બામણબોર નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને નાળામાં ખાબકી હતી. આ ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.
બસચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. બસ ડ્રાઇવરને ઝોંકુ આવી જતાં બસ રસ્તાની બાજુમાં ઉતરી ગઇ હોવાનું પણ મનાઇ રહ્યું છે. જોકે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, આજકાલ ખાનગી બસના અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. જેના પગલે ખાનગી બસોમાં મુસાફરી કરતાં લોકોમાં ઉચાટ પણ જોવા મળી રહ્યો છે. બસ પલટી મારી જવી, રસ્તાની બાજુમાં ઉતરી જવી અથવા અન્ય વાહન સાથે ભટકાઇ જવાની ઘટનાઓમાં મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતી હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે.