ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા મોટું ભંગાણ સામે આવ્યું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇન્ચાર્જ પદેથી હિમાંશુ વ્યાસના રાજીનામા બાદ રાજકીય ખેમે ભારે ચર્ચા જોવા મળી રહી છે. હિમાંશુ વ્યાસ સામ પિત્રોડાના નજીકના મનાય છે. જ્યારે અગાઉ તેઓ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી મેદાને ઝંપલાવી ચૂક્યા છે. બન્ને વખત તેમને ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. હિમાંશુ વ્યાસ પહેલા ગુજરાત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસના ભાજપમાંથી રાજીનામાએ રાજકીય ખળભળાટ મચાવ્યો હતો. જયનારાયણ વ્યાસ કહ્યુ હતુ કે, હું ચૂંટણી લડીશ, મારી પાસે કોંગ્રેસ અને આપ બે માર્ગ છે. કાર્યકરો સાથે ચર્ચા કરી નક્કી કરીશ. જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતાં ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે, આગામી સમયમાં તેઓ કઇ પાર્ટી સાથે જોડાશે.
નોંધનીય છે કે, ગત મોડી રાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપિટ કરાયા છે. કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ મળી છે. ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ ફાળવાઇ છે. કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જ્યારે 11 આદીવાસી ઉમેદવારો, 7 અન્ય સવર્ણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.