ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફુંકાઇ ચૂક્યું છે. તારીખ જાહેર થયા બાદ વિવિધ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, જો કે સરકારી તંત્રએ પણ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢમાં મતદાન દરમિયાન અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક-એક હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક ઉભા કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારની પહેલ કરનાર સમગ્ર દેશમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ બની રહેશે.
હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક વિશે જાણકારી આપતા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે હેલ્થ મતદાન મથકમાં લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાની સાથે પોતાનું હેલ્થ ચેકઅપ પણ કરાવી શકશે. આ મતદાન મથક ખાતે આરોગ્ય તપાસણીની સાથે જરૂરી સારવાર પણ મતદાતાઓને ઉપલબ્ધ કરવવામાં આવશે.
જૂનાગઢ જિલ્લો ખાસ કરીને ખેતી- પશુપાલન આધારિત છે, તેને ધ્યાને રાખી એનિમલ હેલ્થ મતદાન મથક ઉભું કરવાનો નિર્ણય કર્યો છે. એનિમલ હેલ્થ મતદાન મથકમાં મતદાતાઓ મતદાન કરવાની સાથે પોતાના ગાય, ભેંસ, બકરા,વગેરે પાલતુ પ્રાણીઓની પણ આરોગ્ય તપાસણી, રસીકરણ સહિત તમામ સારવાર પશુઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મહિલાઓ દ્વારા સંચાલિત સખી મંડળો તેવી જ રીતે યુવા અને દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવામાં આવશે. ઉપરાંત એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક પણ ઉભુ કરવામાં આવશે. જેમાં પ્લાસ્ટિક જેવી પર્યાવરણ માટે હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે નહી.