ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકનો આયોજન કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે. તા.10-10-2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,37,51,738 મહિલા મતદારો અને, 2,53,36,610 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,417 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 80 વર્ષ કે તેથી વધુ વયના 9,87,999 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022 દરમ્યાન 18 વર્ષની વયે પહોચેલા 3,24,420 યુવા મતદારો પણ મતદાર યાદીમાં નોંધાયા છે.
6 જાન્યુઆરીથી 11 ઓગસ્ટ દરમ્યાન યોજાયેલા મતદાર યાદી સુધારણા 2022 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં 11,36,720 મતદાર ફોટો ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. અને પોસ્ટ ઓફિસ દ્વારા સ્પીડ પોસ્ટ મારફતે મતદારોના ઘરે વિનામૂલ્યે પહોંચતા કરવામાં આવ્યા છે. જ્યારે 12 ઓગસ્ટ થી 9 ઓક્ટોબર, 2022 દરમ્યાન યોજાયેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 16,51,905 મતદાર ફોટો ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ઓળખકાર્ડ તૈયાર કરવાનું અને સ્પીડ પોસ્ટ દ્વારા મતદારોના ઘરે વિનામૂલ્યે પહોંચતા કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. તેવી પણ માહિતી આપી છે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા માટે ચૂંટણી પંચે દરેક મતદાન મથકે ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK ઈવીએમ અને વીવીપેટ ઉપલબ્ધ છે. રાજ્યમાં FLC OK મશીનોની સંખ્યા BU-85,247,CU-71,639 અને વીવીપેટ – 80,469 છે. તેમણે જણાવ્યું હતું કે, હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી ચૂંટણી લડતા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટના કમિશનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહિં, કમિશનીંગ બાદ દરેક મશીનમાં ચૂંટણી લડતાં ઉમેદવારો અને નોટાને એક મત આપીને મોક પોલ કરવામાં આવશે. રેન્ડમલી પસંદ કરવામાં આવેલાં પાંચ ટકા મશીનોમાં 1,000 મતો આપીને મોક પોલ પણ કરવામાં આવશે. મતદાન થયેલા ઈવીએમ અને વીવીપેટને 24X7 હથિયારધારી સલામતી રક્ષકોની સુરક્ષા હેઠળ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવામાં આવશે.
પી.ભારતીએ જણાવ્યું હતું કે, 51,782 મતદાન મથકો હતા. જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધી ગઈ છે ત્યાં હાલમાં પૂરક મતદાનમથક બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્યવિસ્તારોમાં 23,154 મતદાન મથક સ્થળોએ 34, 276 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 6,212 મતદાર મથક સ્થળોએ 17,506 મતદાન મથકો છે. તમામ મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને તમામ મતદાન મથકો ભોંયતળિયે આવેલા છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘ આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાર મથક ઉભા કરવામાં આવશે. આ મતદાર મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે.
80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પી.ભારતીએ જણાવ્યું હતું કે, ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવા ઈચ્છતાં આ કેટેગરીનાં મતદારોએ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થયા પછીના પાંચ દિવસ સુધીમાં નમૂના ફોર્મ-12 ડીમાં જરૂરી તમામ વિગતો સાથેની અરજી સંબંધિત ચૂંટણી અધિકારીને પહોચાડવાની રહેશે. બુથ લેવલ ઓફિસર મતદારોના નિવાસ સ્થાનની મુલાકાલ લઈને સંબંધિત મતદારને ફોર્મ-12 ડી પહોચાડીને તેની પહોંચ મેળવશે. માન્ય રાખવામાં આવેલી અરજીઓની યાદી ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાજકીય પક્ષોના હરીફ ઉમેદવારોને પૂરી પાડવામાં આવશે. બે મતદાન અધિકારીઓની બનેલી ટીમ પોલીસ રક્ષણ અને વિડીયો ગ્રાફરને સાથે લઈને આવા મતદારોના ઘરે જશે અને મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય એ રીતે મતદાન કરાવશે. ઉમેદવાર ઈચ્છતા હશે તો ચૂંટણી અધિકારીને આગોતરી જાણ કર્યા બાદ આ પ્રક્રિયાના સાક્ષી તરીકે અધિકૃત પ્રતિનિધિને નિયુક્ત કરી શકશે.
ઈલેક્ટ્રોનિક મિડિયા અને પ્રિન્ટ મિડિયામાં પ્રસારિત કરવાની થતી જાહેરાતોનું પ્રિ-સર્ટીફિકેશન મેળવવાની વ્યવસ્થા છે. નોંધાયેલા રાષ્ટ્રીય/રાજ્યકક્ષાના રાજકીય પક્ષના ઉમેદવારે જાહેરાત પ્રસારિત કરવાની હોય તેના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. તે સિવાયના નહી નોંધાયેલા રાજકીય પક્ષો કે ઉમેદવારોએ સાત દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે રજૂ કરવાની રહેશે. મતદાનના આગળના દિવસે કે મતદાનના દિવસે પ્રિન્ટ મિડિયામાં પ્રસિદ્ધ કરવાની થતી જાહેરાત ઓછામાં ઓછા બે દિવસ પહેલાં પ્રિ-સર્ટીફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. જો કોઈ ન્યુઝ પેઈડ ન્યુઝ છે એવો નિર્ણય કરવામાં આવશે તો તેનો ખર્ચ જે ઉમેદવારના લાભ માટે પેઈડ ન્યુઝ આપવામાં આવ્યા હશે તેના ખર્ચમાં ગણવામાં આવશે. તદઉપરાંત, સંબંધિત ઉમેદવારનું નામ મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રસારિત થયેલા પેઈડ ન્યુઝના કેસ ન્યુઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાન્ડર્ડસ ઑથોરિટીને તથા પ્રિન્ટ મિડિયામાં પ્રસારિત થયેલા પેઈડ ન્યુઝના કેસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને મોકલવામાં આવશે. તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય મિડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી તથા રાજ્ય સ્તરીય મિડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી કાર્યરત છે.