મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં એક બોટ ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ બોટમાં સુરતનાં 15 લોકો સવાર હતા. જેમાં બે લોકાનાં મોત નીપજ્યા છે. જ્યારે 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં માતા દર્શના અને છ વર્ષનાં પુત્ર નક્ષનું નર્મદા નદીમાં ડૂબતાં મોત નીપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતનાં 15 રહેવાસી ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા. તેઓ જ્યારે ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી અને જોતજોતામાં આખી બોટ નદીમાં ડૂબી ગઇ હતી. જોકે, આ ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં સુરતનાં 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષનું ડૂબવાને કારણે દુખદ મોત નીપજ્યું હતુ.
આ દુર્ઘટનાને કારણે પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. પરિવાર ઘણાં જ આઘાતમાં સરકી ગયા છે. હાલ સ્થાનિક પોલીસે પણ આ દુર્ઘટનામાં તપાસ હાથ ધરી છે.
થોડા મહિના પહેલા મધ્યપ્રદેશના ભીંડમાં સિંધ નદીમાં એક બોટ પલટી જતાં ડૂબી ગઈ હતી. એ બાદ નદીમાં ડૂબી રહેલા 14 લોકોમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા. આ ઘટના નયાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. દુર્ઘટનાનું કારણ એક તૂટેલી અને જર્જરિત બોટ જણાવવામાં આવી રહ્યું હતુ. જેમાં ક્ષમતા કરતાં વધુ લોકો પણ સવાર હતા. જ્યારે બોટ નદીની વચ્ચે પહોંચી ત્યારે એમાં પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે બધા ડરી ગયા અને ઊભા થઈ ગયા. પછી બોટ પલટી ગઈ અને નદીમાં ડૂબી ગઈ હતી.