મોરબીની દર્દનાક ઘટનાની આખું ગુજરાત હચમચી ગયું છે. ત્યારે આ કરુણ ઘટના બાદ દેવભૂમિ દ્રારકા જિલ્લાનું તંત્ર પણ સફળુ જાગ્યું છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ અંગેના મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા તાબડતોબ પગલાં લઇને 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે અને 1 બોટનો પરવાનો અચોકસ મુદત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડની આ કાર્યવાહીને લોકોએ આવાકારી હતી. ફેરી બોટ ધારકો દ્વારા ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા તેમજ નિયત નિયમોનું પાલન ન કરતા તંત્રએ લોક હિતમાં સલામતીના ભાગરૂપે નિર્ણય લીધો હતો.
મોરબીમાં બનેલી દર્દનાક ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટનો વીડિયો વાયરલ થયો હતો. જોકે ફેરી સર્વિસના વીડિયો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા. જેમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું સામે આવ્યુ હતું. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જેમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું દેખાઈ રહ્યું હતું. આ સાથે નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું પણ સામે આવતા ચકચાર મચી ગઈ હતી. જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે તે સવાલ પણ હાલ પંથકમાં ઉઠી રહ્યો હતા.
મહત્વનું છે કે, ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીને લઈ ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને ઓખા મરીન પોલીસના આંખ આડાકાન કરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જોકે અહી સૌથી મોટો સવાલ એ છે કે, સ્થાનિક તંત્ર દ્વારા લોકોની આવડી મોટી ભીડ વચ્ચે પણ કોઇ સુરક્ષા કેમ નહી ? જો મોરબી જેવી કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? ત્યારબાદ તંત્ર દ્વારા હાલ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.