135 લોકોનાં જીવ લેનારી મોરબી દુર્ઘટના મામલે આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે. રાજ્ય સરકારે આજે, 2 નવેમ્બરે રાજ્યમાં શોક જાહેર કર્યો છે. રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. આ ઉપરાંત મોરબીમાં બપોરે 12.00 વાગે મૌન રેલી કાઢવામાં આવશે.
મોરબીનાં સિરામિક, ઘડિયાળ, પેપરમિલ, પોલીપેક અને ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગોએ આજે એક દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વેપારી એસોસિએશન દ્વારા મોરબી બંધ રાખવામાં આવ્યા બાદ મંગળવારે સિરામિક એસોસિએશન, પેપરમિલ એસોસિએશન, પોલીપેક એસોસિએશન, ઘડિયાળ ઉદ્યોગ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક દિવસ માટે પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી શોકમય બંધ પાડ્યો હતો.
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમો પ્રમાણે, રાજ્યના શોકમાં વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવે છે. આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી. આ દરમિયાન રાજકીય મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે.
મોરબી બ્રિજ દુર્ઘટનાનાં કેસમાં ચાર આરોપીઓના શનિવાર સુધીનાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. બાકીનાં પાંચ આરોપીઓને જેલ હવાલે કરાયા. ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને જેલ હવાલે કરાયા છે.