મોરબી બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસએ આજે PM મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ યોજાઇ રહી છે. આ દરમિયાન પુલ દુર્ઘટનાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચીવ, કલેકટર સહીત ટોચના મંત્રીઑ અને અધિકારીઓ પણ હાજર રહ્યા છે.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ઘવાયેલા પીડિતોની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં એસપી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં હાઈલેવલ બેઠક યોજી દુર્ઘટનાની સમીક્ષા કરી સબંધિત વિભાગને જરૂરી નિર્દેશ આપશે.
વડાપ્રધાન મોદી મોરબી સિવિલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિજનો અને અસરગ્રસ્તોના હાલચાલ પૂછી રહ્યા છે. તેમણે ઘટનાની આપવીતી પણ સાંભળી હતી. ત્યારબાદ હવે PM મોદી હવે મોરબી SP ઓફિસે જવા રવાના થશે. જ્યાં હાઇલેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં PM મોદીએ આજના બપોર બાદના પોતાના કાર્યક્રમ રદ કરી મોરબીની મુલાકાતે પહોંચ્યા છે.PM મોદી મોરબીએ ઘટનાનું નિરીક્ષણ કરી મોરબીમાં અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો. દુર્ઘટના સ્થળે મોદી 10 થી 15 મિનિટ રોકાયા હતા.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય સચિવ સહીત અધિકારીઓ સાથે વડાપ્રધાન બેઠક કરશે. જેને લઇને મોરબી SP કચેરીમાં બેઠક પૂર્વે સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. SP કચેરીનો જાહેરમાર્ગ બંધ કરી દેવા ઉપરાંત જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. એટલુ જ નહિ મીડિયાને પણ આ સ્થળેથી દૂર કરાયા છે.