ભરૂચ અંકલેશ્વર વચ્ચે ઓવરહેડ કેબલ તૂટવાની ઘટના સામે આવી હતી. ઓવરહેડ કેબલ તુટવાના કારણે રેલવેની મુખ્ય ડાઉન લાઇન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોવાઈ ગયો હતો. ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વની વાત કહી શકાય કે, હાલ દિવાળી અને તહેવારનો સમય ચાલી રહ્યો છે. ત્યારે મોટાભાગે લોકો તેમના પરિવારના સભ્યો સાથે ફરવા જવાનું પસંદ કરતા હોય છે અને એમાં પણ મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે સોમવારે રાત્રે 8 વાગ્યા આસપાસ ભરૂચ અંકલેશ્વર રેલ્વે સેક્સન વચ્ચે 25000 વોટનો ઓવરહેડ કેબલ તૂટી ગયો હતો અને જેના કારણે મુખ્ય ડાઉન લાઇનનો ટ્રેન વ્યવહાર ખોવાઈ ગયો હતો. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મહત્વની વાત કહી શકાય કે, આ ઘટના બન્યા બાદ તાત્કાલિક અસરથી પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનનો સ્ટાફ કેબલને સરખો કરવાની કામગીરીમાં જોતરાઈ ગયો હતો. 25,000 વોટનો ઓવરહેડ કેબલ તૂટી ગયો હોવાના કારણે મુંબઈ તરફથી અમદાવાદ અને દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર અટકી ગયો હતો. આ ઉપરાંત તેજસ એક્સપ્રેસને ભરૂચ ખાતે અઢી કલાક સુધી અટકાવી દેવામાં આવી હતી.
ઓવરહેડ કેબલ તુટ્યો હોવાના કારણે મુંબઈ તરફ જતી અને વડોદરા-દિલ્હી-અમદાવાદ જતી 38 જેટલી રાતની ટ્રેનોને મોડી કરવામાં આવી હતી. 38 ટ્રેનો લેટ ચાલતી હોવાના કારણે 35,000 કરતા વધારે મુસાફરોને અટવવાવાનો વારો આવ્યો હોય તેવું અનુમાન છે.
તો બીજી તરફ સુરત રેલવે સ્ટેશન પર પણ રાત્રે 9 વાગ્યાથી મુસાફરો અટવાયા હતા અને મુસાફરોએ કલાકો સુધી ટ્રેનનો વેટ કરવો પડ્યો હતો. રાત્રે નવ વાગે સુરત રેલ્વે સ્ટેશન પર પહોંચેલા મુસાફરોને સવારે 11 વાગે પણ ટ્રેન મળી ન હતી. ઓવરહેડ કેબલ તૂટી પડ્યો હોવાને ઘટનાને લઈને સુરત રેલ્વે સ્ટેશન મુસાફરોથી ખીચો ખીચ ભરાઈ ગયું હતું. લોકોએ રેલવે વિભાગ પાસે ઝડપથી ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવાની માગણી પણ કરી હતી.