ગુજરાતમાં રવિવારે ગોઝારી દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતી પડ્યો છે. જેના કારણે પુલ પર મઝા માણી રહેલા લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબકતા 130થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ સાથે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.
મોરબી પુલ દુર્ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધમાં IPC કલમ 304, 308, 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ ફરિયાદ જે કંપની આ બ્રિજની સંભાળ લેતી હતી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. આમાં બિનઈરાદે હત્યા, લાપરવાહી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ બેસતાવર્ષના દિવસે ખોલવામાં આવ્યો હતો. ત્યારે પુલ પર રવિવારની રજાના કારણે સાંજે ચિક્કાર ભીડ હતી.
આ દુર્ઘટના બાદ રાતથી રાહતની કામગીરી સતત ચાલી રહી છે. હાલ પણ અહીં બચાવ કાર્ય થઇ રહ્યા છે. રવિવારે રાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી પટેલે દીવાલ તોડાવીને પાણી ઓછું કરવાની સૂચના આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના મોરબી શહેરમાં પુલ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ભાજપના સાંસદ મોહનભાઈએ કહ્યું કે, આ દુર્ઘટનામાં મારી બહેનના જેઠ એટલે કે, મારા બનેવીના ભાઈની 4 દિકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ખોઈ દીધા છે. જે અત્યંત દુ:ખદ છે. રાજકોટના સાંસદ મોહનભાઈએ કહ્યું કે આ દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. હું કાલ સાંજનો અહીં જ છું. 100 થી વધારે લોકોની બોડી મળી ચુકી છે. પુલ ખોલવાની પરમિશન ન લેવા મામલા પર તેમણે કહ્યું કે, અહીં કોઈ અધિકારી હાજર નથી. જેમની ભૂલ હશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. મોહન ભાઈ કુંડારિયાએ કહ્યું કે, આ દુર્ઘટનાની સચ્ચાઈ 100 ટકા સામે આવશે, કારણ કે આ દુર્ઘટના પર પીએમ મોદી પણ સતત નજર રાખી રહ્યા છે. આખી રાત ફોન પર તેઓ જાણકારી લેતા રહ્યા છે.
પુલ તૂટતાં જ લોકો કેબલ પર લટકાઈ ગયા હતા અને કેટલાંક લોકો પાણીમાં તરીને જીવ બચાવવા માટે તરફડીયા મારી રહ્યા હતા. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેટલાંય લોકો એકબીજાના હાથ-પગ પકડીને એકબીજાને બચાવવા માટે મથી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2022ને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, મારું મન મોરબીમાં છે. એક તરફ શોક છે, બીજી બાજુ કર્તવ્ય પથ છે.
પીએમ મોદીએ કહ્યુ કે, હું એકતા નગરમાં છું, મારું હૃદય મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. મારા જીવનમાં ભાગ્યે જ મેં આવી પીડા અનુભવી હશે. એક તરફ કરુણાથી ભરેલું પીડિત હૃદય છે તો બીજી બાજુ કર્તવ્ય માર્ગ છે. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today
PM Modi has sought urgent mobilisation of teams for rescue ops, while Gujarat CM Patel has given instructions to arrange immediate treatment of injured pic.twitter.com/VO8cvJk9TI
— ANI (@ANI) October 30, 2022
PM મોદીએ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે જણાવ્યું કે, સરકાર દરેક રીતે પીડિત પરિવારોની સાથે છે. ગુજરાત સરકાર ગત સાંજથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. NDRF અને આર્મી તૈનાત છે.
આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુ:ખની આ ઘડીમાં એક થવા અને આપણા કર્તવ્ય પથ પર રહેવાની સંવેદના આપી રહ્યું છે. હોસ્પિટલમાં સતત સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચી ગયા હતા. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી નહીં આવવા દેવામાં આવે.