સોનાની ખરીદીનું વિશેષ મહત્વ ધરાવતો દિવસ એટલે દિવાળી પહેલા આવતો દિવસ ધનતેરસ! ધનતેરસનું વિશેષ મહત્વ છે, ત્યારે શહેરમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીનું વેચાણ થશે. આજે આસો વદ-12 શનિવારના ધનતેરસ નિમિતે ખાસ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે તથા મહાલક્ષ્મી માતા, ધન્વંતરિ દેવ અને કુબેર દેવની ઉપાસના કરવાથી વર્ષપર્યંત ધન સમૃદ્ધિ એશ્વર્ય પ્રાપ્ત થાય છે.
આજે અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે રૂ. 50થી 60 કરોડનું સોનુ-ચાંદી ખરીદાશે એવું અનુમાન છે. ધનતેરસ નિમિતે શહેર-જિલ્લાના જ્વેલર્સોના શો-રૂમ ગ્રાહકોથી ભરેલા જોવા મળી રહ્યા છે. દિવાળી નિમિતે સુવર્ણ – ચાંદી લક્ષ્મીજી સ્વરૂપ ગણાતા હોઇ શ્રધ્ધાળુઓ ધૂમ ખરીદી કરે છે. હાલમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 50,720 છે. જ્યારે ચાંદીનો 1 કિલોનો ભાવ રૂ. 57,770ની આસપાસ છે. કોરોનાકાળ બાદ આ વર્ષે લોકોમાં દિવાળીના તહેવારને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે શહેર-જિલ્લાના 300 કરતા વધુ જ્વેલર્સો અંદાજે રૂ. 50થી 60 કરોડનું સોનું-ચાંદી વેચશે.
દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. ભગવાનને પીળી વસ્તુ ગમે છે. એટલે કે ભગવાનને પિત્તળ અને સોનું અતિપ્રિય હોય છે અને એટલા જ માટે આજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે. આ ખરીદીને શુભ માનવામાં આવે છે. આજે ધનતેરસના આ પાવન પર્વ પર લોકો માર્કેટમાં ધાતુ અને સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. લોકો શુકન માટે સોનાની ખરીદી કરી રહ્યા છે. જવેલરી શોપ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. 27 વર્ષ બાદ આ સંયોગ બન્યો છે, જ્યારે ધનતેરસનું માન 2 દિવસ રહેશે. કોરોના બે વર્ષ બાદ આ વર્ષે ધનતેરસના દિવસે ગ્રાહકોની અંદર પણ સોનું લેવા માટે ઉત્સાહ છે. આખું વરસ લક્ષ્મીનો વાસ ઘરમાં રહે છે, માટે ધનતેરસના દિવસે લોકો સોનું ખરીદવા માટે ખૂબ ઉત્સાહી હોય છે.