દિવાળીના તહેવારોની શરુઆત થઈ ચૂકી છે, ત્યારે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશનમાં પ્રવાસીઓનો ઘસોરો જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને બહારગામના લોકોએ અગાઉથી જ ટિકિટ બૂક કરાવી લીધી હોય છે, પરંતુ છેલ્લી ઘડીએ રજાનું સેટ થતાં લોકો ઉંચા ભાવે ટિકિટ ખરીદીને પણ પોતાના ગામડે કે ઘરે જોવાનો પ્રયાસ કરતાં હોય છે. આ દરમિયાન શહેરના ગીતા મંદિર બેસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતની ટ્રાન્સપોર્ટેશન જગ્ચાએ ભારે ભીડ જોવા મળી રહી છે.
ચાલુ વર્ષે દિવાળીના તહેવારને પહોંચી વળવા ST વિભાગ સજ્જ થઈ ગયું છે. ST વિભાગે વધારાની 2300 બસોને લોકોની સેવા માટે મૂકી છે. સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં લઈ અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો પ્રવાસીઓની સેવા માટે મૂકવામાં આવી છે. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે અને સલામતી સાથે પોતાના વતન પહોંચી શકે.
દિવાળીનો તહેવાર છે ત્યારે બહાર ગામ જવા માટે અને પોતાના વતન જવા માટે લોકોની ભીડ ઉમટી છે. રાજકોટ એસટી ડેપો ખાતે પણ લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હોવાની તસવીરો સામે આવી છે. રાજકોટ ડેપો ખાતેથી 12થી 18 બસો તહેવારને લઈ વધારાની દોડાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગ્રુપ બુકિંગ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, પંચમહાલ માટે લોકોએ વધારે બુકિંગ કરાવ્યું છે.
નોંધનીય છે કે, દિવાળીના રજાઓમાં લોકો એક તરફ વતનની વાટ પકડી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ફરવા જવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. કોરોનાકાળ બાદ આ વર્ષે બમ્પર બુકિંગ કરાવવામાં આવ્યું છે. ગુજરાતીઓએ વિવિધ રાજ્યો અને વિદેશમાં ફરવા માટે હોટલ અને ટ્રેન કે એર ટિકિટ બુક કરાવી છે. જેના લીધે ફરવાલાયક સ્થળોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળશે.