ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂંક કરાઈ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે ગૂજરાત વિદ્યાપીઠ સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વશાંતિ માટે ગાંધી જીવન-દર્શનને જન-જન સુધી પહોંચાડવું આજે અત્યંત જરૂરી છે. રાજ્યપાલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે વિદ્યાપીઠની પ્રથમ મુલાકાત સમયે મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સેવક તરીકે જોડાઈને સેવા કરવાનો અવસર મળવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રથી બંધાઈને પરિવારભાવ સાથે મહાત્મા ગાંધીજીના ચિંતનને સાકાર કરવા સૌ સાથે મળીને શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂક થયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ ગાંધી જીવનદર્શનને પામવાનું અને શીખવાનું પરમ તીર્થ છે. તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિગતરૂપે તેઓ જીવનમાં બે મહાપુરુષોથી પ્રભાવિત છે. એક મહર્ષિ દયાનંદ સરસ્વતી અને બીજા મહાત્મા ગાંધીજી, જેમણે ગુજરાતની પાવન ધરતી પર જન્મ લઈ વિશ્વકલ્યાણ માટે સ્વાર્પણ કર્યું હતું.
આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે મહાત્મા ગાંધીજી જીવનપર્યંત રહ્યા, ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, શ્રી નારાયણભાઈ દેસાઈથી લઈને શ્રી ઈલાબહેન ભટ્ટ જેવા મહાન વ્યક્તિઓ અને ચિંતકોએ ગાંધીવિચારને જન જન સુધી પહોંચાડવા ભગીરથ પુરુષાર્થ કર્યો, એ પદ પર કાર્ય કરીને ગૂજરાત વિદ્યાપીઠની આ પરંપરાને વધુ મજબૂતીથી આગળ ધપાવીશું. તેમણે જણાવ્યું હતું કે મન, વચન અને કર્મ દ્વારા ગાંધીજીના આદર્શોને આત્મસાત્ કરીને રાષ્ટ્રનિર્માણ માટે કાર્યકર્તાઓ તૈયાર કરવાના ધ્યેયને સિદ્ધ કરવા સૌ પુરુષાર્થ કરીએ.
રાજ્યપાલે ગાંધીજીના આદર્શો અનુસાર કાર્યકર્તાઓના ઘડતર માટેના ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયને સાકાર કરવા સૌ સાથે મળીને પુરુષાર્થ કરીએ એમ જણાવી કુલપતિ પદે પોતાની પસંદગી કરવા બદલ સંચાલક મંડળનો આભાર માન્યો હતો. રાજ્યપાલે વિદ્યાપીઠના ગ્રંથાલય, ઉદ્યોગભવન, આદિવાસી સંશોધન કેન્દ્ર, બાઇબલ ખંડ, મૌન ખંડ વગેરે સંકુલોની પણ મુલાકાત લીધી હતી.