હાલમાં વિદેશ જવાનો એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો દેવુ કરીને પણ ગમે તે ભોગે વિદેશ જવા તૈયાર થઇ જાય છે અને આ તકનો લાભ ઉઠાવીને પૈસા લાલચુ અને લેભાગુઓ લોકોના પરસેવાના રૂપિયા ચાંઉ કરવામાં પળવારનો પણ વિચાર કરતા નથી. બોગસ પાસપોર્ટ, નકલી બેન્ડ અને ખોટા સર્ટીઓ રજૂ કરીને વિદેશ લઇ જવાના ધીકતા ધંધાનો પર્દાફાશ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત ATSએ અમદાવાદમાંથી આવું જ એક કૌભાંડ ઝડપી પાડ્યું છે.
ગુજરાત ATSએ બોગસ પાસપોર્ટ અને વિઝાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ATSની ટીમે 5 પાસપોર્ટ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં નકલી વિઝા પર વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલતું હોવાની ગુજરાત એટીએસને યોગ્ય માહિતી મળી હતી. જે બાદ ગુજરાત એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં નિલેશ પંડ્યાનું નામ સામે આવ્યું હતું. નિલેશ પંડ્યા પર અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાત ATSએ શહેરના નવા નરોડા વિસ્તારમાંથી યોગ્ય બાતમીના આધારે 4 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 5 પાસપોર્ટ કબજે કરવામાં આવ્યા છે. આ શખ્સો લોકોને કેનેડા મોકલવા માટે નકલી વિઝા બનાવી આપતા હતા. ઝડપાયેલ આરોપીઓ પૈકી નિલેશ પંડ્યા સામે રાજસ્થાનમાં પણ નકલી વિઝાનો ગુનો દાખલ છે. આ આરોપીની કાલુપુર પો.સ્ટેશનમાં વર્ષ 2005માં નકલી ચલણી નોટ કેસમાં ધરપકડ થઇ હતી.
નવા નરોડા વિસ્તારમાંથી ઝડપાયેલા શખ્સો પાસેથી કેટલા લોકોએ નકલી વિઝા બનાવડાવ્યા છે અને વિદેશ ગયા છે. સાથે જ આ લોકો પરત આવેલા છે કે ત્યાં જ સ્થાયી છે આ દિશામાં હાલ ગુજરાત ATSએ તપાસ શરૂ કરી છે.