અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં આજે એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. સિયાંગ જિલ્લાના સિંગિંગ ગામ પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમીના અંતરે આવેલું છે, જ્યાં અકસ્માત થયો હતો. ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ માહિતી આપી હતી કે, રેસ્ક્યૂ ટીમને રવાના કરી દેવામાં આવી છે અને જે જગ્યાએ અકસ્માત થયો છે તે રોડથી જોડાયેલ નથી.
શુક્રવારે સવારે અરુણાચલના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં મિગિંગ ખાતે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર સેનાના જવાનોને લઈને નિયમિત ફ્લાઈટ પર હતું. આ ઘટના સવારે લગભગ 10.43 વાગ્યે બની, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.ગામ તરફ જવાનો કોઈ રસ્તો નથી જ્યાં માત્ર લટકતો પુલ છે. સર્ચ ઓપરેશનમાં એક Mi-17 અને બે ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કાર્યમાં જોડાયા છે.
અપર સિયાંગ એસપી જુમ્મર બસરે જણાવ્યું હતું કે દુર્ઘટના પહાડી વિસ્તારમાં બની હતી અને શોધ અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટર પર લખ્યું, “અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં ભારતીય સેનાના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરના ક્રેશ અંગે દુઃખદ સમાચાર મળ્યા.”
આ પહેલા 12 ઓક્ટોબરે ભારતીય નૌકાદળનું એક મિગ-29K એરક્રાફ્ટ ટેક્નિકલ ખામીના કારણે ગોવાના કિનારે ક્રેશ થયું હતું. જોકે આ વિમાનનો પાયલોટ બચી ગયો હતો અને નૌકાદળના મુખ્યાલયે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે ‘MiG-29K’ એ રશિયન સ્પેસ એવિએશન કંપની મિકોયાન (MiG) દ્વારા વિકસિત ફાઈટર એરક્રાફ્ટ છે. ભારતીય નૌસેનાએ એક દાયકા પહેલા રશિયા પાસેથી લગભગ 2 અબજ યુએસ ડોલરમાં 45 ‘મિગ-29કે’ વિમાન ખરીદ્યા હતા.
નેવીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મિગ-29કે એરક્રાફ્ટ ગોવામાં સમુદ્ર ઉપર નિયમિત ઉડાન ભરી રહ્યું હતું અને નૌકાદળના બેઝ પર પરત ફરતી વખતે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો અને તરત જ શોધ અને બચાવ કામગીરી દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો હતો. ઘટનાનું કારણ જાણવા માટે તપાસ બોર્ડની રચના કરવામાં આવી છે.