આગામી વર્ષે ભારતમાં યોજાનારા આઇસીસી વન-ડે વર્લ્ડકપ માંથી બહાર રહેવાની પાકિસ્તાનની ધમકીનો સ્પોર્ટ્સ મિનીસ્ટર અનુરાગ ઠાકુરે જવાબ આપતાં કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તેનો જવાબ આપશે અને વન-ડે વર્લ્ડકપ 2023નું આયોજન ભારતમાં જ થશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એશિયા કપને પાકિસ્તાનથી અન્ય જગ્યાએ યોજવા અંગે કરેલી કોમેન્ટ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) વન-ડે વર્લ્ડકપમાંથી ખસી જવાની ધમકી આપી હતી. બીસીસીઆઇની બેઠક બાદ સેક્રેટરી જય શાહે એશિયા કપને તટસ્થ સ્થળે યોજવા અંગે કોમેન્ટ કરી હતી.
કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, “પીસીબીના બ્લેકમેલ લેટરનો જવાબ બીસીસીઆઇ આપશે. આઈસીસી વન ડે વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે. તે બીસીસીઆઈનો વિષય છે અને બોર્ડ તેનો જવાબ આપશે. આવતા વર્ષે વર્લ્ડ કપ યોજાશે અને દુનિયાભરની ટીમો પણ રમશે.” તેમણે કહ્યું કે, ભારત એવી સ્થિતિમાં છે, જ્યાં તેને કોઈની વાત સાંભળવાની જરૂર નથી.
તેણે આગળ કહ્યું, “આજે ભારતને કોઈપણ ક્ષેત્રમાં નકારી શકાય નહીં અને ક્રિકેટ જગતમાં આપણા દેશનું મોટું યોગદાન છે. વર્લ્ડ કપ ભારતમાં યોજાશે, જે ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક હશે. અનુરાગ ઠાકુરે કહ્યું, “આ અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશે, કારણ કે પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતા છે. તે માત્ર ક્રિકેટ જ નથી. ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની મુલાકાત લીધી, પરંતુ શું તેમની તુલના ભારત સાથે કરી શકાય?”
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના એક્ઝિક્યુટિવ બોર્ડના નિર્ણય મુજબ પાકિસ્તાન આવતા વર્ષે એશિયા કપની આગામી આવૃત્તિની યજમાની કરવાનું છે અને આ તરફ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ છે.
પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ પ્રકારના નિવેદનો એશિયન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયોને વિભાજિત કરવાની ક્ષમતા ધરાવે છે અને ક્રિકેટ વર્લ્ડ કપ 2023 અને 2024-31ના ચક્રમાં ભારતમાં ભાવિ આઇસીસી ઇવેન્ટ્સ માટે પાકિસ્તાનની ભારત મુલાકાતને પણ પ્રભાવિત કરે છે.”
રીપોર્ટ્સ અનુસાર, “પીસીબીને હજી સુધી એસીસી પ્રમુખના નિવેદન પર એસીસી તરફથી કોઈ સત્તાવાર વાતચીત અથવા સ્પષ્ટતા મળી નથી. પીસીબીએ હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલને વિનંતી કરી છે કે તેઓ આ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરવા માટે વ્યવહારિક રીતે શક્ય તેટલી વહેલી તકે તેના બોર્ડની ઇમરજન્સી બેઠક બોલાવે.”