સુપ્રીમ કોર્ટે દિલ્હી અને અન્ય રાજ્યોમાં ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરતી અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકોને શ્વાસ લેવા દો, ઉજવણી કરવાની અન્ય રીતો છે. મીઠાઈઓ પાછળ પૈસા ખર્ચો. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે ફટાકડા કંપનીની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. મહત્વનું છે કે, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ જાહેરનામું બહાર પડી ફટાકડા ફોડવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
હકીકતમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં દિલ્હીમાં ફટાકડા ફોડવા પર દંડ પણ ભરવો પડશે. જો કોઈ પણ વ્યક્તિ રાજધાનીમાં ફટાકડા ફોડતો જોવા મળશે તો તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાથે જ તેને 6 મહિનાની જેલમાં પણ રહેવું પડી શકે છે. દિલ્હી સરકારના આ પગલાનો ફટાકડાના વેપારીઓએ વિરોધ કર્યો હતો. દિલ્હી સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે.
ફટાકડાની કંપનીએ અરજી દાખલ કરીને ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધના દિલ્હી સરકારના નિર્ણયને પડકાર્યો હતો. હાઇકોર્ટે અરજદારની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી અમે તેની સુનાવણી કરી શકતા નથી.દિલ્હી સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
ભાજપના સાંસદ મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી અને ફટાકડાના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જારી કરવાની અપીલ કરી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021માં ઘણા રાજ્યોએ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણયને કારણે દિવાળીની સાંજે હિન્દુઓને નિશાન બનાવીને ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટે વિગતવાર આદેશ આપ્યો હતો. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં અને સંતુલન જાળવવું પડશે.
મહત્વનું છે કે, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ જાહેરનામું બહાર પડી ફટાકડા ફોડવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. દિવાળીના આડે હવે ગણતરીના દિવસ જ બાકી રહી ગયા છે. દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. તેવામાં ગુજરાતમાં પણ હવે ફટાકડા ફોડવાને લઈ સમય મર્યાદા નક્કી કરાઇ છે.
વડોદરા જિલ્લામાં દિવાળીના પર્વને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીનું અમલમાં રહેશે જાહેરનામું. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં. PESO સંસ્થા માન્ય ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ જાહેરનામું 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીનું અમલમાં રહેશે.
આ ઉપરાંત રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. અધિક કલેક્ટર કે.બી ઠક્કર દ્વારા પ્રદુષણ રોકવા માટે નિર્ણય લેવાયો છે. સાથે જ અધિક કલેક્ટરના જાહેરનામામાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે રાખી શકાશે નહીં અથવા વેચાણ કરી શકાશે નહીં. ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં. PESO સંસ્થા માન્ય ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ જાહેરનામું 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીનું અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરાશે. આ જાહેરનામું 9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે
નોંધનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શહેરમાં રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. સાથે જ ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.