સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક બજારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ વચ્ચે ભારતમાં સ્થાનિક બજારમાં તહેવારોની માગના કારણે સોના ચાંદીની માગ વધી રહી છે પરંતુ બજારમાં ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારો આવી ગયા છે અને સાથે સોનું પણ ઘટીને 50 હજાર આસપાસ આવી ગયું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ફરી 56 હજાર આસપાસ આવી ગયા છે.
આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.23 ટકા ઉછળીને 50,324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.48 ટકા વધીને 56,281 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે. જોકે આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.
આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.23 ટકાના વધારા સાથે 50,324 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.48 ટકાની તેજી સાથે 56,281 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,324 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6867 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.