ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત મંજૂર કરી દેવાતા વડોદરામાં 37 સ્થળોએ ઈ-વાહન માટે ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે. કેન્દ્ર સરકારે વડોદરામાં ચાર્જિંગ સ્ટેશન માટે મંજૂરી આપી દીધી છે. જેમાં 10 સ્લો ચાર્જિંગ અને 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો બનશે. 20-20 કિ.મીના અંતરે આ ચાર્જિંગ સ્ટેશનો બનશે.
ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ આયોજન કરાયું છે. તમને જણાવી દઇએ કે, ત્રણ મહીનામાં આ તમામ ચાર્જિંગ સ્ટેશનો તૈયાર થઈ જશે. પુનઃ પ્રાપ્ય ( વિદ્યુત) ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવા ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે એ માટે કેન્દ્ર સરકાર પણ આની પર ભાર મૂકી રહી છે.
ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઊર્જા મંત્રાલયે ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારવા તેમજ ઝડપથી તેને અપનાવવા માટેની બીજા તબક્કાની આપેલી ગાઈડલાઈન મુજબ અમદાવાદ, સુરત ,વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો ઊભા કરવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત વડોદરામાં 37 સ્થળોએ રાજસ્થાનની એક કંપની દ્વારા આ કામગીરી હાથ ધરાશે. જેમાં 10 સ્લો સ્ટેશનો અને 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન હશે.
કોર્પોરેશન પાસે બ્રિજની નીચેની જગ્યા, અતિથિગૃહો, નગર ગૃહો, ટાઉનહોલ તેમજ ગાર્ડન બહાર પાર્કિંગની જગ્યાએ ફિક્સ જગ્યા નક્કી કરીને આ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરાશે. 10 વર્ષ સુધી રાજસ્થાનની કંપની આ ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળશે. જે એક ચાર્જિંગ સ્ટેશનમાં એક વીજ વપરાશના યુનિટ મુજબ 1 રૂપિયો કોર્પોરેશનને આપશે અને ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશનું બિલ રાજસ્થાનની આ કંપની ભરશે.