બળાત્કારના આરોપમાં સજાથી બચવા માટે આરોપી અને તેના પિતાએ એવી તરકીબ અપનાવી કે, આપને કોઈ ફિલ્મનું દ્રશ્ય જ લાગે. પણ જો વાસ્તવમાં આવું થાય તો, સૌ કોઈ ચોંકી જશે. ખોટા ષડયંત્રનો ખુલાસો થયો તો, રેપનો આરોપી ભાગલપુરની કોર્ટમાં આત્મસમર્પણ કરવા પહોંચ્યો હતો. આ મામલો બિહારના ભાગલપુર જિલ્લા સાથે જોડાયેલ છે. જ્યાં ફિલ્મી અંદાજમાં આ ડ્રામા ચાલ્યો હતો.
હકીકતમાં પીરપૈંતી પોલીસ સ્ટેશનના ઈશીપુર બરાહાટ નિવાસી શિક્ષક નીરજ મોદીએ વર્ષ 2018માં ગામની જ એક સગીર છોકરી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે ઘર પર પોલીસ પહોંચી તો, સજાથી બચવા માટે તેણે પોતાના મોતનું નાટક રચ્યું. આ ખોટા ષડયંત્રમાં નીરજ મોદીના પિતા રાજારામ મોદીએ પોતાના દિકરાને પુરેપુરો સાથ આપ્યો. રાજારામ મોદીએ પોતાના દિકરા નીરજ મોદીને સજાથી બચાવવા માટે મોતનું ખોટુ ષડયંત્ર રચ્યું અને નીરજ મોદીને મડદું સાબિત કરી દીધું. આરોપીના પિતાએ જીવતા દીકરાને ચિતા પર સુવડાવીને ફોટો પડાવ્યો અને લાકડા ખરીદવાનું બિલ પણ બનાવડાવી દીધું.
આ લાકડા ખરીદવાના બિલના આધાર પર જીવતા દિકરાનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું અને મૃત્યુ પ્રમાણપત્રને ભાગલપુર કોર્ટમાં રજૂ કરીને આરોપી મરેલો છે, તે સાબિત કરીને કેસ રફેદફે કરી દીધો. કોર્ટે પણ આરોપીને મરેલો જાણી કેસની ફાઈલ બંધ કરી દીધી. આ બાજૂ પીડિતાની માતા પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે રાત દિવસ સરકારી ઓફિસોના ચક્કર લગાવતી રહી.
પીડિતાની માતાએ આ શક હતો કે, આરોપી હાલમાં જીવતો છે. પીડિતાની માતાએ આરોપી દ્વારા બનાવેલા ડેથ સર્ટિફિકેટને ખોટુ ગણાવી બીડીઓમાં ફરિયાદ કરી, જે બાદ આ મામલાની તપાસ માટે કમિટિ બેસાડી. તપાસમાં મૃત્યુ પ્રમાણ પત્ર ખોટુ લાગ્યું, જે બાદ બળાત્કારના આરોપીના પિતા પર છેતરપીંડીનો કેસ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો. મોતનું નાટક રચવા અને પિતાને જેલમાં નાખ્યા બાદ બળાત્કારના આરોપી નીરજ ભાગલપુર કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું. આ ઘટનાને લઈને સમગ્ર ભાગલપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે.