દિવાળીના સમયે ગુજરાત સરકાર કર્મચારીઓથી લઈ મધ્યમ-ગરીબ વર્ગને ગિફ્ટ આપી રહી છે. આજે સરકારે વધુ એક મહત્વની જાહેરાત કરી છે જેમાં સરકાર રાજયના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સિંગતેલનું રાહત દરે આપશે તેમજ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની અવધિ ડિસેમ્બર 2022 સુધી લંબાવાઈ છે જેથી 71 લાખ NFSA રેશનકાર્ડ ધારકોને થશે લાભ
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે જેનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે.
દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી ૩૨ લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડે 1 કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂ.15 અને રૂ.22 પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે તેવી માહિતી જીતુ વાઘાણીએ આપી હતી. તેમજ તમામ 91 લાખ NFSA રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ 1 લીટર સીંગતેલ રૂ.100ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવું પણ જણાવ્યું છે
ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર-૨૦૨૨ માસ સુધી લંબાવાઈ છે.આ યોજના હેઠળ ઑક્ટોબર-2022 માસ માટે 71 લાખ NFSA રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ 1 કિ.ગ્રા. ઘઉં તથા 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ તા.15/10/2022 થી શરૂ કરવામાં આવે છે. ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે તેવી વિગતો જીતુ વાઘાણીએ જણાવ્યું છે.