છેલ્લા આઠ વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. આ માટે વડાપ્રધાન મોદી દિવાળીના થોડા દિવસો પહેલાં શુક્રવારે કેદારનાથ જશે. સેનાના જવાનો સાથે દિવાળી મનાવતા પહેલા પીએમ કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. પીએમ મોદીની કેદારનાથ-બદ્રીનાથ મુલાકાતને લઈને જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી લીધી છે અને તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.
પીએમ મોદી સંભવતઃ સરહદી ગામ માણાની મુલાકાત લેશે અને ત્યાંના સ્થાનિક લોકો અને સેનાના જવાનો સાથે સીધો સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ મોદીએ દરેક દિવાળી સૈનિકો સાથે મનાવી છે. ઉત્તરાખંડના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી આ શુક્રવારે કેદારનાથની મુલાકાત લેશે.
અહીં તેઓ સૌપ્રથમ કેદારનાથમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે. કેદારનાથની મુલાકાત લીધા બાદ પીએમ બદ્રીનાથ જવા રવાના થશે. શુક્રવારની રાત બદ્રીનાથમાં વિતાવ્યા બાદ પીએમ મોદી શનિવારે વહેલી સવારે બદ્રીનાથના દર્શન કરશે. બદ્રીનાથના દર્શન બાદ પીએમ બદ્રીનાથ માસ્ટર પ્લાન હેઠળ ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરશે.
આ દરમિયાન પીએમ મોદી ભારત-ચીન સરહદને અડીને આવેલા ભારતના છેલ્લા ગામ માણાની પણ મુલાકાત લેશે. બદ્રીનાથથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પીએમ સ્થાનિક લોકો અને જવાનો સાથે વાતચીત કરશે. જણાવી દઈએ કે, માણા ગામની ઉંચાઈ દરિયાઈ સપાટીથી 18 હજાર ફૂટ છે.
સરકાર આ મુલાકાત દ્વારા ચીનને સંદેશો આપવાની યોજના ધરાવે છે. પ્રધાનમંત્રી મોદી કેદારનાથ ધામ સાથે ખુબ જ લગાવ ધરાવે છે. તેઓ પ્રધાનમંત્રી બન્યા બાદ ઘણીવાર કેદારનાથ આવી ચુક્યા છે. એટલું જ નહીં કેદારનાથમાં ચાલી રહેલા પન:નિર્માણના વિકાસ કાર્યોને તેઓ જાતે જ મોનિટર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં પીએમ મોદીએ કેદારનાથ પહોંચીને આદિગુરુ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કેદારનાથ ધામને 400 કરોડ રૂહોઈયાંના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ વર્ષે 19 નવેમ્બરે બદ્રીનાથ ધામ અને 27 ઓક્ટોબરે કેદારનાથ ધામના કપાટ બંધ થશે. કેદારનાથ ધામના કપાટ ભાઈબીજના દિવસે સવારે 8.30 વાગ્યે, જ્યારે બદ્રીનાથના કપાટ 19 નવેમ્બરે સાંજે 3.35એ બંધ થશે.