ગુજરાતનો કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી દુબઇથી ઝડપાયો છે. ગુજરાતમાં તે રાજસ્થાન અને હરિયાણાથી દારૂ સપ્લાય કરતો હતો. 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે. ગુજરાતના નામચીન બુટલેગર વિનોદ સિંધી સામે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હતી.
વિજિલન્સને જાણવા મળ્યું હતુ કે, વિનોદ દુબઈ ભાગી ગયો છે. જેથી નોટિસ જાહેર કર્યા બાદ તેની સઘન તપાસ ચાલી રહી હતી. આશરે 20 વર્ષથી દારૂનો ધંધો કરતાં વિનોદ સિંધીને પકડવા માટે વિજિલન્સની ટીમે ઘણી જહેમત ઉઠાવી હતી. તપાસમાં સામે આવ્યું હતુ કે, પાસપોર્ટ નંબરની વિગત પોલીસને મળી અને ખબર પડી કે વિનોદ સિંધી ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો છે. વિનોદ સિંધી ગુજરાતના 38થી વધુ કેસમાં વોન્ટેડ છે.
મળતી માહિતી પ્રમાણે, વર્ષો પહેલા વિનોદ વડોદરામાં ફરસાણ-નમકીનનો ધંધો કરતો હતો. ત્યારે વિનોદ સિંધી દારૂ પીવા બેઠો હતો. તે સમયે તેને દારૂની ડિલિવરીનો વિચાર આવ્યો હતો. તેની સામે રાજસ્થાનમાં પણ સંખ્યાબંધ ગુના નોંધાયા છે. તે મધ્યપ્રદેશ હરિયાણા અને અન્ય રાજ્યમાંથી પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સક્રિય હતો. વિજિલન્સના અધિકારીએ વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. તે પહેલા વિનોદ સિંધીનો સાથી નાગદાન ગઢવી પકડાયો હતો.
તેની 29 ઓડિયો ક્લિપે તમામ રાઝ ખોલી નાખ્યાં હતા. જેના આધારે હવે વિનોદ સિંધીની ધરપકડ કરવાનો વારો હતો. જેની તેને ખબર પડતા તેની સામે કોઇપણ કાર્યવાહી થાય તે પહેલા જ દુબઈ ભાગી ગયો હતો. વિનોદ સિંધી પોતાના દારૂના નેટવર્ક માટે ક્યાં કોને કેટલા રૂપિયા આપવા તે પણ ફોનથી નાગદાન ગઢવી સાથે વાત કરી હતી. તે ઓડિયો ક્લિપથી અનેક રાઝ ખૂલ્યાં હતા.